મુન્દ્રાના બાબિયા ગામ નજીક પેટ્રોલ પમ્પ પર છરીની અણીએ લૂંટ

અજાણ્યા ચાર શખ્સોએ લૂંટને અંજામ આપ્યો

મુન્દ્રા : તાલુકાના બાબિયા ગામ નજીક આવેલ પેટ્રોલ પમ્પ પર આજે મધ્ય રાત્રિના અજાણ્યા ચાર શખ્સો આવી પહોંચ્યા હતા અને છરીની અણીએ ૩૯ હજાર રોકડા અને ૮ હજારનો મોબાઈલની લૂંટ ચલાવી નાસી ગયા હતા અને સીસીટીવી કેમેરાના રિલિવર સાથે લઈ નાસી ગયા હતા.
આ બનાવ અંગે મુન્દ્રા પીઆઈ શ્રી બારોટના રાઈટર રવજીભાઈ આહિર વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મુન્દ્રા તાલુકાના બાબિયા પેટ્રોલ પમ્પ પર આજે રાત્રિના બેથી રઃ૩૦ વાગ્યાના અરસામાં અજાણ્યા ચાર શખ્સો આવી પહોંચ્યા હતા અને પેટ્રોલ પમ્પમાં કાર્યરત સીસીટીવી કેમેરાના રિલિવરને કબજે કર્યા હતા. બાદમાં એક શખ્સે ઓફિસમાં બેઠેલ કર્મચારીને છરી બતાવી રૂા.૩૯ હજાર રોકડા અને ૮ હજારનો મોબાઈલ એમ કુલ ૪૭ હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવ અંગે વધુ મળતી વિગતો મુજબ આ ચારેય શખ્સો ગુજરાતી અને હિન્દીભાષામાં વાતચીત કરતા હતા એટલે સ્થાનિક કોઈ શખ્સ આ લૂંટના બનાવમાં સંડોવાયેલો હોય એવી પોલીસે શક્યતા દર્શાવી હતી. આ બનાવની તપાસ મુન્દ્રાના નવનિયુક્ત પીઆઈ શ્રી બારોટ ચલાવી રહ્યા છે. નોંધનીય બાબાત એ છે કે, ગઈકાલે મુન્દ્રાના ઝરપરા આવેલ યાર્ડમાં ૭ર૦૦ની લૂંટના બનાવની શાહી સૂકાઈ નથી ત્યાં આજે મધ્ય રાત્રિના બાબિયા નજીક આવેલા પેટ્રોલ પમ્પ પર અજાણ્યા તસ્કરો ત્રાટકી ૪૭ હજારની લૂંટ ચલાવતા મુન્દ્રા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.