મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું કચ્છી માડુઓએ ઉમળકાભેર અભિવાદન કર્યું

કચ્છને લીલોછમ્મ જિલ્લો બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : વિજય રૂપાણી : કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી પહોચાડવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવા અંગે કરાયું અભિવાદન

ગાંધીનગર : કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી આપવા માટે રૂપિયા 3 હજાર 475 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નિતીન પટેલનું કચ્છના સાંસદ, ધારાસભ્યો, શ્રેષ્ઠિઓ અને સ્થાનિક હોદ્દેદારો, સંતો-મહંતો દ્વારા ગાંધીનગર ખાતે ઉમળકાભર્યુ અભિવાદન કરાયું હતું. કચ્છીમાડુઓ દ્વારા અભિવાદનનો પ્રતિભાવ આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છી બોલીમાં વક્તવ્યની શરૂઆત કરીને ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલી ઋણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા રૂપિયા 3 હજાર 475 કરોડની યોજનાને વહીવટી મંજૂરી ટૂંક જ સમયમાં મળી જશે. આ અંગેની સૂચના તાજેતરની કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે. ડિસેમ્બર સુધીમાં આ યોજનાના વિકાસ કાર્યો આરંભી દેવામાં આવશે. આ યોજનાના પ્રથમ ફેઝનું કાર્ય શરૂ થતા જ બીજા ફેઝની પણ મંજુરી આપવામાં આવશે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કચ્છને લીલોછમ્મ જિલ્લો બનાવવા સરકાર કટિબદ્ધ છે. રાપર, અંજાર, મુંદરા, માંડવી, ભૂજ, નખત્રાણા, લખપત અને અબડાસા જેવા વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. કચ્છી ખેડૂતોના બાવડામાં તાકાત છે, અને રાજ્ય સરકાર તેમની પડખે છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતના પ્રાણ પ્રશ્નો ઝડપથી પૂરા થાય અને રાજ્યનું સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ થાય તે દિશામાં અનેક પગલાં લીધા હતા. વર્તમાન સરકાર એ જ પગલે આગળ વધી રહી છે. અને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ફળીભૂત કરી રહી છે. મુખ્યમંત્રીએ કચ્છના ડિસેલિનેશન પ્લાન્ટ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિતના પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે આવા અનેક વિશિષ્ટ પ્રકલ્પોથી કચ્છ જિલ્લાના વિકાસને નવી ગતિ પ્રદાન કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડવા છેલ્લા અઢી દાયકામાં ભાજપની સરકારે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે. પીવાના પાણી માટે બેડા લઇ ભટકવું, દુકાળ અને હિજરતની પરિસ્થિતિને ભૂતકાળ બનાવી સરકાર ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવા કૂદકેને ભૂસકે આગળ વધી રહી છે. ભૂતકાળમાં કચ્છમાં પીવાના અને સિંચાઇના પાણીના પ્રશ્નો અંગે કોંગ્રેસની સરકારે કશું કર્યું નથી, ત્યારે આજે હવે કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના સરકારના આયોજનોને ઠાલા વચન ગણાવી પાણીમાંથી પોરા કાઢે છે. કોંગ્રેસે ગેરવ્યાજબી નિવેદનો કરવાના બંધ કરી વિકાસ કામોમાં ઊંબાડિયા નાખવાનું બંધ કરવું જોઈએ, તેવા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, પાણી વગર વિકાસ શક્ય નથી. આથી કચ્છના સર્વાંગી વિકાસ માટે કેવડિયાથી કચ્છ સુધીની ૫૫૦ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇન નાખી સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના સહિતના આયોજન થકી રાજ્ય સરકારે નર્મદાના પૂરના પાણી જે નિર્થક વહી જતા તેનો આયોજનબદ્ધ ઉપયોગ કર્યો છે. અને ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોચાડ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે નર્મદાના પાણી છેવાડાના વિસ્તારોમાં પહોંચાડવા માટે બજેટની માંગ સામે ફાળવણીમાં એક રૂપિયાનો પણ ઘટાડો ક્યારેય કર્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતની ભાજપા સરકાર છેલ્લા અઢી દાયકાથી કચ્છમાં સિંચાઈ અને પીવા માટે નર્મદાનું પાણી ઠેરઠેર પહોંચાડવાના લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૧૯૬૦થી ૨૦૨૦ સુધી ૬૦ વર્ષ દરમિયાન નર્મદા મૈયાની ગુજરાતમાં યાત્રા અનેક પ્રશ્નો અને વિઘ્નો વચ્ચે આગળ વધતી રહી છે, તે અંગે ગુજરાતની નવી પેઢીએ જાણવું જોઇએ. વધુમાં નિતીન પટેલે કહ્યું હતું કે, કચ્છના ખેડૂતો પ્રગતિશીલ છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં કચ્છી ખેડૂતો ગુજરાતમાં મોખરે છે. પહેલા વાગડનો માત્ર કપાસ વખણાતો, આજે કેરી સહિત અનેક પાકો માટે કચ્છ વિશ્વભરમાં જાણીતું બન્યું છે.

પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા રૂપિયા 3 હજાર 475 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી કચ્છીમાડુઓના સપના પૂરા કરી તેમના દિલ જીતી લીધા છે. આવતી અષાઢી બીજે કચ્છના ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે. વાસણભાઇ આહિરે આ યોજના માટે કચ્છની જનતા જમીન સંપાદનમાં સંપૂર્ણ સહકાર આપશે તેની ખાતરી આપી હતી. આ પ્રસંગે જળ સંપતિ વિભાગ દ્વારા ઉપસ્થિતોને યોજનાના અમલીકરણ અને કાર્યવહન અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છના ખેડૂતો, પ્રજાજનોની લાંબાગાળાની લાગણી અને અપેક્ષા પરીપૂર્ણ કરતી આ યોજનાથી કચ્છના ૬ તાલુકાઓના ૯૬ ગામોના ૩ લાખ ૮૦ હજાર લોકોને અને ર લાખ ૩પ હજાર એકર જમીનને નર્મદા જળની સુવિધા મળશે. જિલ્લાના ૩૮ જળાશયોમાં નર્મદાના પાણી ભરાશે. ચેકડેમ – તળાવોને પણ આ નર્મદા જળથી ભરી ભૂગર્ભ જળ ઊંચા લવાશે. પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી તેઓ આર્થિક સમૃદ્ધ બનશે. અને પાણીના અભાવે થતું પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર અટકશે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ડોક્ટર નિમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્યો તારાચંદ છેડા, પંકજ મહેતા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ડોક્ટર મુકેશ ચંદે, જિલ્લા ભાજપ મહામંત્રી વલમજી હુંબલ સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખો, વિવિધ મંડલના પ્રમુખ, મંત્રીઓ તેમજ સંગઠનના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.