મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો બાળકોને લાભ અપાયો : તંત્ર દ્વારા અરજીઓ મળ્યાના બીજા જ દિવસે અરજીઓ મંજુર કરવામાં આવી

કોરોના મહામારીમાં માતાપિતા બન્નેની છત્રછાયા ગુમાવનારા બાળકોને ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રીશ્રી, વિજયભાઇ રૂપાણી દ્રારા સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગ,ગાંઘીનગરના સમાજ સુરક્ષા ખાતા તેમજ ગુજરાત રાજય બાળ સંરક્ષણ સોસાયટી દ્રારા માસીક રૂ.૪૦૦૦/- ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવેલ. જે અન્વયે કચ્છ જીલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીની કચેરી અને જીલ્લા બાળ સુરક્ષા એકમ,કચ્છ દ્રારા આવા બાળકોને શોઘી તેઓને લાભાન્વિત કરવા તાત્કાલીક ઘોરણે કાર્યવાહી હાથ ઘરી લાભ આપવામાં આવેલ. જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીના અઘ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્સરશીપ અને ફોસ્ટર કેર એપૃવલ કમિટિની મીટીંગ કરી જરૂરી આઘારો સાથેની અરજી મળ્યાના દિન-૨ માં મંજુરી અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.૨૮/૦૬/૨૦૨૧ સુધીમાં કુલ-૩૧ અરજીઓ મંજુર કરવામાં આવેલ છે.  મંજુર કરવામાં આવેલ તમામ અરજીઓ અંતર્ગત માંહે જુન-૨૦૨૧ની સહાય જીલ્લા કક્ષાએથી સીઘા બેંક ખાતામાં ચુકવવામાં આવેલ છે. આ યોજનામાં ૦ થી ૧૮ વર્ષની વયજૂથના જે બાળકોના માતા અને પિતા બન્નેનુ અવસાન કોરોના સમયગાળા દરમ્યાન થયેલ હોય અથવા જે બાળકોના માતા કે પિતા બન્ને માંથી કોઇ એકનુ અવસાન કોરોના સમય અગાઉ અને બીજા માતા કે પિતા જે બાળકની સારસંભાળ રાખતા હોય અને તેઓનુ પણ કોરોના કાળ દરમ્યાન અવસાન થયુ હોય તેવા અભ્યાસ કરતા બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. જેમાં માસીક રૂ.૪૦૦૦/- ની આર્થીક સહાય બાળક ૧૮ વર્ષની ઉંમર પુર્ણ કરે અને અભ્યાસ કરતુ હોય ત્યાં સુઘી મળી શકશે. આ કમિટિમાં સભ્યો તરીકે બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સનશ્રી દીપાબેન લાલકા, માનવ જયોત સંસ્થાના શ્રી પ્રબોઘભાઇ મુનવર, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના અઘિક્ષકશ્રી પ્રજેશભાઇ મહેશ્વરી અને સભ્ય સચિવશ્રી વિપુલ ડોરિયા અને જીલ્લા બાળ સુરક્ષા એકમના શ્રીમતી પદમાબેન સાઘુ અને જગદીશભાઇ વણકર હાજર રહયા હતા.

જો આવા કોઇ બાળકો આપ સર્વે જાહેર જનતાના ઘ્યાનમાં આવે તો જીલ્લા બાળ સુરક્ષા એકમ, ૪૦૨, ત્રીજો માળ, બહુમાળી ભવન,ભુજ-કચ્છ ખાતે તેમજ ફોન નં.૦૨૮૩૨-૨૫૨૬૧૩ પર સંપર્ક કરવા આ કમિટિના અઘ્યક્ષ અને જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી એ.પી.રોહડીયા દ્વારા જણાવેલ છે.