મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના ભુજીયા ડુંગર સ્થિત સ્મૃતિવન મોમેરિયલની લીધી મુલાકાત

મુખ્યમંત્રી શ્રીએ ભૂકંપના દિવંગતોની સ્મૃતિમાં નિર્માણાધીન ભુજના સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરી મુલાકાતીઓ માટે ઊભી થઈ રહેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન ભુજ સ્થિત ભુજીયા ડુંગર માં નિર્માણાધીન સ્મૃતિવન મોમેરિયલની  મુલાકાત લઇ સ્મૃતિવન માં હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો અને મુલાકાતીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

કચ્છના ૨૦૦૧ના ભૂકંપના દિવંગતોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ રહ્યું છે. જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંકલનમાં વિવિધ સુવિધાઓ સ્મૃતિવનના ૪૭૦ એકર જગ્યામાં ઉભી થનાર છે.

મુખ્યમંત્રીશ્રીએ  જે પૈકી ૧૭૫  એકરમાં ઉભી થયેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્મૃતિ વનમા મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. જેમાં ત્રણ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. મ્યુઝિયમ સંકુલમાં ૨૩૫ બેઠક વ્યવસ્થાની ક્ષમતા સાથે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે. અહીં મુખ્ય મંત્રીશ્રીએ સ્મૃતિ વન આધારિત ફિલ્મ નિહાળી હતી.

સ્મૃતિ વનની મુલાકાત પૂર્વે મુખ્ય મંત્રીશ્રીએ ભુજ કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લાના પ્રવાસન અને વિકાસ લક્ષી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં સ્મૃતિવનના વિકાસલક્ષી પ્રોજેકટની માહિતીથી વાકેફ થઇ મુલાકાતીઓ લક્ષી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની મુલાકાત વેળાએ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રી મુખ્ય અગ્રસચિવશ્રી કે.કૈલાસનાથન, સાંસદશ્રી વિનોદ ચાવડા, ધારાસભ્ય સર્વ ડો.નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, સ્મૃતિવન મોમેરિયલ પ્રોજેકટ માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના CEO શ્રી આદ્રા અગરવાલ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.