મુખ્યમંત્રીશ્રી ના અધ્યક્ષ સ્થાને ભુજ ખાતે કચ્છ જિલ્લાના પ્રવાસન અને વિકાસ લક્ષી પ્રોજેક્ટને આગળ ધપાવવા સમીક્ષા બેઠક યોજાઇ

માતાનામઢ, સ્મૃતિ વન અને નર્મદા પાણી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કચ્છ ભુજ ખાતે જિલ્લાના પ્રવાસન અને વિકાસ લક્ષી પ્રોજેક્ટની પ્રગતિ અને જનહિતના કામો ને આગળ ધપાવવા સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય મંત્રીશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓને દિશાદર્શન કર્યું હતું.

જિલ્લામાં નર્મદા નહેર, માતાનામઢ અને સ્મૃતિવન કામગીરીની સમીક્ષા કરી અત્યાર સુધીમાં થયેલી નોંધપાત્ર કામગીરી સંબંધિત વિભાગો દ્વારા રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લો પ્રવાસનક્ષેત્રે દિવસેને દિવસે આગળ ધપી રહ્યો છે ત્યારે કચ્છના તમામ પ્રવાસન સ્થળોએ માળખાગત સુવિધા થાય તે માટે અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું. ભુજ કલેકટર કચેરી ખાતે યોજાયેલી મીટિંગમાં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ લોકહિતના વિકાસ કાર્યો નિર્ધારિત સમયમાં કાર્ય પૂર્ણ કરવા જરૂરી દિશાનિર્દેશ કરી માર્ગદર્શન પુરું પાડયું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આકાર પામતી નર્મદા નહેરની કામગીરી અધિક મુખ્ય સચિવશ્રી ઉધોગ અને ખાણ વિભાગ શ્રી રાજીવ ગુપ્તાએ રજૂ કરી હતી. ૩૫૭ કિ.મી. લાંબી કચ્છ શાખા નહેરની સિધ્ધિ લક્ષ્ય અને પ્રગતિ હેઠળની બાબતોથી મુખ્યમંત્રીશ્રી અવગત થયા હતા તેમજ બાકી રહેતી ૧૭ કિ.મી. ની ૫ ટકા કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં માતાનામઢના વિકાસની કામગીરી આર્કીટેકટ મમતા શાહે રજુ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક લોકોની  રોજગારી વધે એ રીતે  પ્રવાસન તરીકે વિકાસ થાય અને ભવ્ય ધાર્મિક સંસ્કૃતિ આકાર પામે તે માટે જરૂરી દિશાસૂચન કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્મૃતિવન મોમેરિયલ પ્રોજેકટ માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના CEO શ્રી આદ્રા અગરવાલે માહિતી રજુ કરી હતી. બેઠકમાં સનપોઇન્ટ, સોલાર પોઈન્ટ, ફોરવોલ રીસ્ટોરેશન, મ્યુઝિયમ, જેમની સ્મૃતિમાં વન નિર્માણ થાય તે બાબતે વિગતો જાણી મર્યાદિત સમયમાં કામગીરી પૂર્ણ કરવા દિશાનિર્દેશ કર્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રી મુખ્ય અગ્રસચિવશ્રી કે.કૈલાશનાથન, કૃષિ વિભાગના સચિવશ્રી મનીષ ભારદ્વાજ, સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ ડો.નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, આર.એસ.સી.શ્રી કુલદીપસિંહ ઝાલા, નખત્રાણા પ્રાંત પ્રવિણસિંહ જૈતાવત તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના ડિરેકટરશ્રી પી.સી.વ્યાસ, ચીફ ઈજનેરશ્રી એસ.આર.રાવ, ગુજરાત પ્રવાસન યાત્રાધામ વિકાસ બોર્ડના ચીફ ઈજનેરશ્રી, એકજીકયુટીવ ઈજનેરશ્રી એમ.ડી.પટેલ, માતાનામઢ ટ્રસ્ટીશ્રી પ્રવિણસિંહ વાંઢેર, ખેંગારસિંહ જાડેજા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર આર.બી.પંચાલ, રાજા ભટ્ટાચાર્ય, પાણી પુરવઠા ચીફ ઈજનેર એ.જી.વનરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.માઢક ઉપસ્થિત રહયા હતા.