મુખ્યમંત્રીશ્રી દ્વારા ખેડૂતોનું સન્માન અમારા માટે આનંદનો અવસર છે – પ્રગતિશીલ ખેડૂત અજયસિંહ જાડેજા

ભુજ ખાતે યોજાયેલા કિસાન સન્માન દિવસ અંતર્ગત ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરના પ્રગતિશીલ યુવા ખેડુત જાડેજા અજયસિંહ બળવંતસિંહનું સન્માન કરવામાં આવ્યુ હતું. અન્ય ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સેન્દ્રિય ખેતીની ઉપજના પ્રોસેસિંગ/મુલ્યવર્ધન માટે સરદાર કૃષિ સંશોધન પુરસ્કાર વિજેતા જામનગર જિલ્લના ભીમટકાના પ્રગતિશીલ ખેડુત અજયસિંહ જાડેજા જણાવે છે કે, અમે નીમાસ્ત્ર બનાવી તેને ગૌમૂત્ર, લીંબોળી અને લીમડાના પાનનું મિશ્રણ કરીને સજીવ ખેતીમાં સારૂ પરિણામ મળે છે. એસ.પી.એન.એફ.-સરદાર પટેલ નેચરલ ફાર્મિંગ અન્વયે અનેક યોજનાઓ થકી ગુજરાત સરકાર અમારા જેવા અ‍નેક ખેડુતોના પળખે ઉભી છે. સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત કરેલા પાકના ત્રણ ઘણા ભાવ મળતા સારો નફો પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને મળે છે. 

અમે સજીવ ખેતી દ્વારા અગ્નિશસ્ત્ર,બ્રહ્માસ્ત્ર, જીવામૃત, બીજામૃત, સપ્તધાન્ય, વગેરે જેવા અંકુરણ અર્કનો ઉપયોગ કરી ઘઉં, મગફળી, તુવેર, ચાણા,  વગેરે જેવા પાકો પ્રાકૃતિક ખેતી દ્વારા લોકોને રસાયણમુક્ત ખોરાક આપી અમે લોકોની ચિંતા કરી છે તો સરકારે વિવિધ યોજાનાઓ દ્વારા અમારી ચિંતા કરી છે. આજે સરકાર દ્વારા મારુ સન્માન કરવામાં આવ્યું છે જેથી મને તો પ્રોત્સાહન મળ્યું જ છે, પરંતુ મારા જેવા અનેક સજીવ ખેતી કરતા ખેડુતોને એક નવું ઉર્જાબળ તથા પ્રોત્સાહન મળશે. સરકાર વાવણીથી લઈ વેચાણ સુધી ખેડુતોની ચિંતા કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સંવેદનશીલ સરકારને ૫ વર્ષનો યશસ્વી કાળ પૂર્ણ થતા રાજ્યમાં જન-ઉત્કર્ષ અને લોક કલ્યાણના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ ભુજ ખાતે રાજયકક્ષાનો કિસાન સન્માન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડુતોના કલ્યાણની  કિસાન સૂર્યોદય યોજના સહિતની યોજનાઓ શુભારંભ ઉપરાંત પ્રગતિશીલ ખેડુતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.