મુખ્યમંત્રીની ર હજાર બેડની હોસ્પિટલ શરૂ કરવાની સૂચનાનો કોઈ અમલ નહીં : તારાચંદ છેડા

જિલ્લામાં ઓક્સિજન, ઈન્જેક્શનના અભાવે હોસ્પિટલો બંધ કરવાની ફરજ : મૃત્યુ આંક બાબતે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી : કચ્છને બચાવવા માટે પૂર્વ રાજ્યમંત્રીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર : ચૂંટાયેલા નેતાઓ માત્ર મિટીંગો યોજવામાં વ્યસ્ત : પીએમના હૃદયમાં અંકિત જિલ્લો આજે બન્યો લાચાર

ભુજ : કચ્છમાં કોરોનાની સ્થિતિ ઉત્તરોત્તર કથળી રહી છે. વિપક્ષ બાદ સત્તા પક્ષના નેતાએ પણ બીજી વખત સરકારમાં પત્ર લખી કચ્છને બચાવવા માટે ગુહાર લગાવી છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ બીજી વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ખેદ સાથે જણાવ્યું છે કે, સીએમ – ડેપ્યુટી સીએમ કચ્છમાં આવીને જાહેરાત કરી ગયા કે ર હજાર બેડની હોસ્પિટલ શરૂ થશે, પરંતુ આ સૂચનાઓનો કોઈ અમલ થયો નથી. પરિસ્થિતિ એટલી કથળી છે કે ઓક્સિજન, રેમડેસિવીર ઈન્જેક્શન, દવાઓના અભાવે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો બંધ કરવાની ફરજ પડી છે. જિલ્લામાં ઉત્પાદિત થતો ઓક્સિજન અન્યત્ર મોકલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. જિલ્લામાં મૃત્યુ આંક વધી રહ્યો છે, પણ કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી ત્યારે તારાચંદભાઈ છેડાએ મુખ્યમંત્રી સમક્ષ બે હાથ જોડીને વિનંતી સાથે જણાવ્યું છે કે, હવે તો કચ્છને બચાવો. જિલ્લામાં માનવીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આ પ્રશ્નને ગંભીર ગણી ત્વરીત પગલાં ભરી લોકોના મોત અટકાવી કચ્છને બચાવી લેવા અરજ કરી છે. કચ્છની જનતાએ હવે કોરોનાથી કઈ રીતે બચવું એ એની સમજણ બહાર વાત છે ત્યારે ભયંકર સ્થિતિમાંથી કચ્છને બહાર કાઢવા પગલાં ભરવા માટે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, જિલ્લામાં પરિસ્થિતિ કથળી ગઈ ત્યારે સૌપ્રથમ શ્રી છેડાએ મુખ્યમંત્રીને કચ્છ આવવા આહ્‌વાન કર્યું હતું, જે બાદ તેઓ કચ્છમાં પધાર્યા હતા. પ્રભારી સચિવે પણ જિલ્લામાં હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. પૂર્વ રાજ્યમંત્રી કચ્છીઓના હિતમાં પેટ બાળી સત્તા પક્ષમાં હોવા છતાં સરકારને ધારદાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કચ્છના લોકોએ જેને ચૂંટીને ગાંધીનગર અને દિલ્હીમાં મોકલ્યા છે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા પર બિરાજીત કર્યા છે તેવા નેતાઓ આજે માત્ર મિટીંગો અને ફોટોસેશનમાં વ્યસ્ત છે. તેઓએ માત્ર એસી ઓફિસમાં બેસી નિર્ણયો લીધા છે. હકીકતમાં કોરોનાથી પીડીત દર્દી અને તેના સ્વજનો આરોગ્ય સેવા મેળવવા માટે કેવી રઝળપાટ કરે છે તેની જાણ આ નેતાઓને નથી. પૂર્વ રાજ્યમંત્રીએ અવાજ ઉપાડી કચ્છની સાચી પરિસ્થિતિ ફરી એક વખત રજૂ કરી છે ત્યારે આ ચૂંટાયેલા નેતાઓ મારૂં-તારૂં મૂકી હજુ પણ સમય છે કચ્છને બચાવવા માટે આગળ આવે તે જરૂરી છે.