મુંબઈ માટે કરો યા મરોની સ્થિતિ : આજે હારશે તો ટૂર્નામેન્ટની બહાર

ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલી કિંગ્સ ઇલેવન પંજાબ આજે યજમાન મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે ત્યારે બંને માટે આ મુકાબલો ટૂર્નામેન્ટમાં ટકી રહેવાની અંતિમ તક હશે. મુંબઈ ઈન્ડિયન્સે શરૂઆતમાં ખરાબ પ્રદર્શન બાદ ટૂર્નામેન્ટમાં વાપસી કરતાં સતત ત્રણ જીત મેળવી હતી.

ગત રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર તેના માટે ઘાતક સાબિત થઈ હતી. મુંબઈ હવે 12માંથી પાંચ મેચ જીતી છઠ્ઠા સ્થાને છે. પંજાબ છેલ્લી પાંચ પૈકી ચાર મેચમાં પરાજય મેળવતાં 12 મેચમાં 12 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.

તેમાં પણ પંજાબની ટીમ સોમવારે બેંગ્લોર સામે માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બેંગ્લોરે આ મેચ 8.1 ઓવરમાં જીતી લીધી હતી. આથી પંજાબે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મુંબઈ સામેની મેચ જીતવાની સાથે પોતાનો નેટ રનરેટ પણ સુધારવો પડશે.

IPLના ઇતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ કુલ 21 વખત ટકરાઈ છે જે પૈકી પંજાબે 10માં અને મુંબઈએ 11 મેચમાં જીત મેળવી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ ગત ચોથી મેના રોજ ટકરાયા હતા જેમાં મુંબઈએ છ વિકેટે વિજય મેળવ્યો હતો. બંને ટીમના રેકોર્ડને જોતાં આજની મેચ પણ રોમાંચક બની શકે છે.

આઈપીએલ 11માં આગામી એક અઠવાડિયું બધી ટીમો માટે મહત્વપૂર્ણ છે. કઈ ટીમ અંદર જશે અને કઈ ટીમ બહાર જશે, આ 2મી મે પહેલા ખબર પડી જશે. આ સિઝનના પ્લેઓફ મુકાબલાઓ 22મી મેથી રમાશે. વિરાટની આરસીબી અથવા રોહિતની મુંબઈ, જીત માટે આ કેપ્ટનોએ કોઈ જાદૂ બતાવવો પડશે.