મુંબઈ એરપોર્ટ પર ૧.૧૧ કરોડનું સોનું પકડાયું

મુંબઈઃ કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)ના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી રૂ. ૧.૧૧ કરોડની કિંમતનું ચાર કિલો સોનું પકડી પાડ્‌યું હતું અને આ પ્રકરણે ૩૩ વર્ષના પ્રવાસી અબ્બાસ સૈયદ એસ.ની ધરપકડ કરી હતી. તમિળનાડુના વતની એવા પ્રવાસીને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેને અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી. અબ્બાસના વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ રવિ હિરાણીએ કહ્યું હતું કે મારો અસીલ સોનું લઇને એરપોર્ટ પર આવ્યો હતો અને તે ડ્‌યૂટી ભરવાનો હતો. તે ચેન્નઇ જવાનું વિચારી રહ્યો હતો. જોકે ડ્‌યૂટી ભરે એ પહેલા તેને તાબામાં લેવાયો હતો.એઆઇયુના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે સોમવારે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-૧ ખાતે અબ્બાસ સૈયદ એસ.ને આંતર્યો હતો. અબ્બાસ સૈયદ પર શંકા જતાં તેના સામાનની ઝડતી લેવામાં આવી હતી, જેમાં ટૂલ બોક્સમાં છુપાવવામાં આવેલું રૂ. ૧.૧૧ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું હતું, જે જપ્ત કરાયું હતું. અબ્બાસ સૈયદ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.