મુંબઈમાં ૩૭.૭૬ લાખના કોકેઈન સાથે નાઈજીરિયન પકડાયો

મુંબઈઃ ગ્રાહકોને વેચવા માટે અંદાજે ૩૭.૭૬ લાખ રૂપિયાના નશીલા પદાર્થ કોકેઈન સાથે જોગેશ્વરીમાં આવેલા નાઈજીરિયનને પોલીસે પકડી પાડ્‌યો હતો. અંબોલી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ફેમી ઓલ્યુયંકા ઓપયેમી (૨૯) તરીકે થઈ હતી. નાઈજીરિયન શખસ ગ્રાહકોને કોકેઈન આપવા માટે આવવાનો હોવાની માહિતી અંબોલી પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર દયા નાયકને મળી હતી. માહિતીને આધારે પોલીસે સોમવારે મધરાતે જોગેશ્ર્‌વરી પશ્ર્‌ચિમમાં સહકાર રોડ પર છટકું ગોઠવી આરોપીને પકડી પાડ્‌યો હતો. તેની પાસેથી ૪૭૨ ગ્રામ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. દરમિયાન દક્ષિણ મુંબઈના વી. પી. રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હાજર એન્ટી નાર્કોટિક્સ સેલના આઝાદ મેદાન યુનિટના અધિકારીઓએ મંગળવારે આરોપી સલીમ નવાબ અબ્દુલ ખાન ઉર્ફે સલીમ તલવાર (૫૬)ને પકડી પાડ્‌યો હતો. તેની પાસેથી અંદાજે ૯૮ હજાર રૂપિયાની કિંમતનું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલો ખાન કલસા લેન સ્થિત પાંડુરંગ ચાલમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.