મુંબઈમાં ર૪ કલાક ભારે : રેડ એલર્ટ જાહેર

મુંબઇ : માયાવીનગરી મુંબઇમાં ગઇરાત્રીએ મેઘરાજાએ વિરામ લેતા આજે સવારથી શહેરનું જનજીવન પુનઃ ધબકતુ થયુ છે. જો કે ખતરાના વાદળો હટયા નથી. શહેર માટે હજુ ર૪ કલાક ભારે છે. રેડએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. મુંબઇની લાઇફ લાઇન ગણાતી ટ્રેન સેવા પુનઃ શરૂ થતા લોકોને રાહત  પહોંચી છે. જો કે હજુ વરસાદની આગાહી હોઇ આજે પણ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. લોકોને કામ સિવાય ઘરની બહાર નહિ નીકળવા તાકીદ કરવામાં આવી છે. ગઇકાલે ભારે વરસાદને કારણે અનેક લોકો ફસાઇ ગયા હતા. તેઓએ ઓફિસોમાં જ રાતવાસો કર્યો હતો.મુંબઇમાં ગઇકાલે ભારે વરસાદ બાદ મેઘરાજાએ ગઇ આખી રાત થોડાક વિશ્રામ લીધો હતો. શહેરમાં વરસાદનું જોર ઘટયુ છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી પણ પાણી ઉતર્યા નથી
પરિણામે જનજીવન પુર્ણપણે  પુર્વવ્રત થયુ નથી. ગઇકાલે શહેરમાં ૧ર કલાકમાં ૧૯ ઇંચ વરસાદ પડયો હતો એને કારણે ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
શહેરની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવા અંશતઃ શરૂ થઇ છે. મધ્ય રેલ્વેની સરખામણીમાં પશ્ચિમ રેલ્વે વિભાગ પર  પરિસ્થિતિ સારી છે.મધ્ય રેલ્વેના સીએસએમટી સ્ટેશનથી છેક આજે સવારે પહેલી લોકલ ટ્રેન કલ્યાણ તરફ રવાના થઇ હતી એને કારણે આખી રાત સ્ટેશન પર વિતાવનાર લોકોને થોડીક રાહત થઇ હતી. મધ્ય રેલ્વે પર, ઘાટકોપર અને કલ્યાણ વચ્ચે ટ્રેન સેવા ચાલુ છે.  હાર્બર લાઇન પર અપ અને ડાઉન બંને ટ્રેન વ્યવહાર હજી પણ બંધ છે. માત્ર થાણે અને વાસી વચ્ચે ટ્રાન્સ હાર્બર રેલ્વે સેવા જ શરૂ થઇ શકી છે. પશ્ચિમ રેલ્વે પર ચર્ચગેટથી વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા ખુબ ધીમી ગતિએ ફરી શરૂ થઇ છે. મુંબઇ ઉપનગરોમાં ગઇ આખી રાત વરસાદનું જોર ઘટેલુ રહ્યુ હતુ. સાયન, હિંદમાતા,  પરેલ વિસ્તારમાં રાતે વરસાદ  પડવાથી રસ્તા હજી પાણીમાં છે. પશ્ચિમ રેલ્વેનો લોકલ ટ્રેન વ્યવહાર ધીમી ગતિએ ફરી શરૂ થઇ છે. હાર્બર લાઇનનો અપ-ડાઉન ટ્રેન વ્યવહાર હજી પણ ઠપ્પ છે. સાયન, પનવેલ, મુંબઇ-નાસિક હાઇવે ફરી ખુલ્યા, ટ્રાફિક ફરી શરૂ થયો છે. વેસ્ટર્ન અને ઇસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર વાહનોની સરળતાભરી અવરજવર ફરી શરૂ થઇ છે.આજે સવારે નૌકાદળ દ્વારા સીએસએમટી પર ચા-નાસ્તો  આપવામાં આવ્યો હતો.  મુંબઇ ઉપર ર૪ થી ૪૮ કલાક વધુ વરસાદ પડે તેવી શકયતા છે. શહેરમાં વિવિધ બનાવોમાં ૬ વ્યકિતના મોત થયા છે.હજુ હિંદમાતા, પરેલ, મલાડ, બાંદ્રા, કુર્લા સહિત ઠેર-ઠેર પાણી ભરેલા છે. વડાપ્રધાન મોદીએ હરસંભવ મદદની ઓફર કરી છે. મુખ્યમંત્રીએ લોકોને  અપીલ કરી છે કે, કામ સિવાય બહાર ન નીકળે. શહેરમાં એનડીઆરએફની ૧૦ ટીમ રાહત બચાવમાં લાગી છે.