મુંબઈમાં નિર્માણાધીન ઈમારતમાં આગ : ૬ ભડથું

મુંબઇઃ મુંબઇ શહેરના ઉપનગર વીલે પાર્લેમાં ૧૩ માળની અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મોડી રાતે આગ લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત છનાં મોત થયાં છે અને ૧૧ લોકો જખમી થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે પાંચ મજૂર અને એક બાળક ગંભીર રીતે દાઝી જવાથી મોતને ભેટ્યા હતા. ઘાયલ થયેલા ૧૧ પૈકી ૮ની હાલત ગંભીર છે. આ ઘટના રાત્રે ૧૧-૦૦ વાગ્યે ઘટી હતી. મુંબઇ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વીલે પાર્લે વિસ્તારના કિશોરકુમાર ગાર્ડન નજીક પ્રાર્થના ઇમારતમાં આગ લાગી હતી. બેથી ત્રણ કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. મૃતકો એટલી ખરાબ રીતે ભડથું થઇ ગયા છે કે તેમની ઓળખ થઇ શકી નથી. ઘટનાના એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગની જવાળાઓ સમગ્ર ઇમારતમાં ફેલાઇ ગઇ હતી. ઘાયલ થયેલા નવ પુરુષ અને બે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેઓ ૬૦ ટકા કરતાં વધુ દાઝી ગયાં છે. મજૂરો રાત્રે જ્યારે ભોજન બનાવી રહ્યા હતા ત્યારે એલપીજી ગેસ લીક થવાથી આ ગંભીર ઘટના બની હતી.