મુંબઈથી કચ્છ આવતી ટ્રેનોમાં હાઉસફુલની સ્થિતિ : જિલ્લાના રેલવે સ્ટેશનો પર તકેદારી અનિવાર્ય

  • મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્થિતિ વણસી

મુસાફરોમાં બિમારી કે કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો ત્વરીત એકશન લેવાય તે જરૂરી : લોકો મુસાફરી કરવાનું ટાળતા હોઈ કચ્છથી મહારાષ્ટ્ર જતી ટ્રેનોમાં માંડ ૪૦ થી ૪પ ટકા જેટલું થતું બુકીંગ : કોરોના કાળને પગલે રેલવે તંત્રને પણ પ્રવાસી ટ્રેનોમાં વેઠવી પડી રહી છે નુકશાની

(બ્યુરો દ્વારા)ભુજ : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું હોય તેમ દરરોજના હજારો પોઝિટીવ કેસ નોંધાઈ રહ્યા છે. સ્થિતિ વણસવાના લીધે સરકાર દ્વારા ૧૪૪ની કલમ પણ લાગુ કરી દેવાઈ છે. દિન પ્રતિદિન સ્થિતિ વધુ વિકટ બની રહી હોઈ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વસતા કચ્છીઓ પુનઃ માદરે વતન તરફ દોટ મુકી રહ્યા હોઈ મુંબઈથી કચ્છ આવતી ટ્રેનોમાં હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. સંક્રમણથી બચવા માટે લોકો કચ્છ આવી રહ્યા છે ત્યારે અહીં પણ સ્થિતિ કાબુ બહાર ન જાય તે માટે ભુજ, ગાંધીધામ સહિતના રેલવે સ્ટેશનો પર તકેદારીના પગલા વધુ સઘન બનાવાય તે અનિવાર્ય બન્યું છે.આ અંગેની વિગતો મુજબ કોરોનાની બીજી લહેરે સમગ્ર વિશ્વને પોતાની બાનમાં લઈ લીધું છે ત્યારે ભારતમાં કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરના પ્રારંભે લોકડાઉન સહિતના કડક નિયમો અમલી નહીં બનાવાય તેવી સરકાર તરફથી વાતો ઉચ્ચારાઈ હતી, જેના લીધે લોકોએ ભાગમભાગ કરવાના બદલે પોતાની કર્મભૂમિમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. જો કે, કેસોમાં આવી રહેલા સતત ઉછાળાના પગલે કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર દ્વાર નીતિ નિયમો કડક બનાવવાની સાથોસાથ લોકડાઉન લાગુ કરવા સહિતના કડક નિયમો પણ લેવાઈ રહ્યા છે. ગુજરાતના પાડોશી રાજય એવા મહારાષ્ટ્રમાં તો સ્થિતિ અત્યંત વિકટ બની હોઈ મહારાષ્ટ્ર સરકારે ૧૪૪ની કલમ લાગુ કરી દીધી હોઈ જરૂરી કામ વગર લોકોને ઘરોથી બહાર નિકળવાની પણ છુટ મળી નથી. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં દિન પ્રતિદિન કેસો વધી રહ્યા હોઈ ધંધા – રોજગારની સ્થિતિ સાવ ઠપ્પ થવા સમાન બની ગઈ છે. જેના લીધે ગુજરાત સહિતના બહારના રાજ્યોના લોકો પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. મુંબઈમાં વસતા કચ્છીઓ પણ ફરી માદરે વતન ભણી ડગ માંડવા લાગતા કચ્છ આવતી ટ્રેનોમાં હાઉસફુલ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છના રેલવે તંત્રના સુત્રોએ વિગતો આપતા પખવાડિયા અગાઉ કચ્છ આવતી અને કચ્છથી મુંબઈ જતી ટ્રેનોમાં ટ્રાફિકની સ્થિતિ એક સમાન જોવા મળતી હતી. જો કે, મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધી રહ્યા હોઈ કચ્છ આવતી ટ્રેનોમાં ૮૦ થી ૧૦૦ ટકા જેટલો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. બીજી તરફ કચ્છથી મુંબઈ જતી ટ્રેનોમાં માંડ ૪૦ થી ૪પ ટકા જેટલું બુકીંગ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેનોમાં મુસાફરી કરી કચ્છ પહોંચતા પેસેન્જરોનું રેલવે સ્ટેશનો પર અગાઉથી જ ચેકીંગ થઈ રહ્યું છે, પરંતુ તેમાં વધુ તકેદારી રખાય તે અત્યંત જરૂરી બન્યું છે. ગત વર્ષે પણ મુંબઈગરાઓના લીધે જ કચ્છમાં સંક્રમણ વધુ માત્રામાં ફેલાયું હતું ત્યારે પુનઃ તે સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે આરોગ્ય તંત્ર વધુ સતર્ક બને તે જરૂરી છે.