મુંદરા- બારોઈ નગરપાલિકાનું વર્ષ ર૦ર૧-રરના બજેટને બહાલી અપાઈ

૪પ.૮પ કરોડની અંદાજી આવક સામે ૪૧.૧૮ કરોડ ખર્ચવાળુ પુરાંત દર્શાવતું બજેટ રજૂ કરાયું

મુંદરા : મુંદરા- બારોઈ નગરપાલિકાની ત્રિ-માસિક સામાન્ય સભા નગરપાલિકા કચેરી ખાતે નગરપતિ કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમારના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં વર્ષ ર૦ર૧/રરના પ્રોવિઝનલ બજેટને બહાલી આપવામાં આવી હતી.આ બજેટમાં ર૦ર૧-રરની અંદાજીત આવક ૪પ.૮પ કરોડની સામે ૪૧.૧૮ કરોડના ખર્ચને અંદાજવામાં આવેલ છે અને ૪.૬૭ કરોડની પુરાંત સાથેનું બજેટને બહાલી આપવામાં આવી હતી. આજની બજેટ બેઠકમાં ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન પાટીદાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલભાઈ આહિર સહિત ચૂંટાયેલા સદ્દસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બજેટ બેઠકમાં ચીફ ઓફિસર સંદીપસિંહ વી. ઝાલાના નેજા હેઠળ હેડ કલાર્ક કુનાલ ઠક્કરે સભાની કાર્યવાહી સંભાળી હતી. એડાઉન્ટન્ટ પ્રવીણકુમાર સુથાર, રાજેશ ગઢવી, હરીશ પટેલ, રૂષિરાજસિંહ ચુડાસમા, સુખદેવસિંહ જાડેજા સહયોગી રહ્યા હતા.
સભાગૃહની કાર્યવાહીના પ્રારંભે રાષ્ટ્રગીત વગાડવામાં આવેલ અને પ્રમુખ સ્થાનેથી અધ્યક્ષે સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોનું સ્વાગત કર્યું હતું.

શિક્ષણ માટે બજેટમાં માત્ર ૧૪૦૦૦ની ફાળવણી
સુધરાઈના વહીવટનો મસમોટો છીંડો :કોની અણઆવડત? અધિકારી કે પદાધિકારી?

અંદાજપત્રના પાંચ ટકા શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવવાના નિયમના કેમ ઉડયા ધજાગરા? વિપક્ષના
જાગૃત નગરસેવકે કર્યા સવાલો : હવે સુધરાઈના સિંઘમ વહીવટીબાબુઓ ગણકારશે કે પછી લાકડાની તલવારી જ ચલાવતા રહેશે?

ગાંધીધામ : મુંદરા-બારોઈ નગરપાલીકાના બજેટની આજ રોજ સામાન્ય સભા યોજાઈ હતી અને તેમાં અંદાજપત્રને બહાલ કરી દેવામા આવ્યુ છે. પરંતુ આ અંદાજપત્રમાં મુંદરા-બારોઈના લોકોના શિક્ષણક્ષેત્રને લઈને જાણે કે ઠઠ્ઠા મશ્કરી જ કરવામા આવી હોય તેવી ફદીયું રકમ જ ફાળવાઈ હોવાનો આંક સામે આવવા પામી રહ્યો છે. કરોડોના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને માટે આગામી એક વર્ષ માટે માત્ર અને માત્ર ૧૪ હજારની રકમ ફાળવાઈ છે? આમા તો એક વર્ષના પુસ્તકોની પણ કદાચ ખરીદી કરવી કપરી બની રહે તેમ છે. નિયમ અનુસાર બજેટના પાંચ ટકા શિક્ષણ માટે ફાળવવાના થતા હોય છે? તો અહી ઓછામાં ઓછી ૧ કરોડની રકમ શિક્ષણને ફાળવવાની થાય પરંતુ અહી શિક્ષણને રકમ ન ફાળવીને આ રકમ અન્યત્ર કયા લઈ જવાઈ ? કયા કારણોસર? શું મુંદરા-બારોઈના નગરજનો શિક્ષિત થશે તો સુધરાઈના ગાલમેલની વધારે તેઓને ખબર પડી જાય તેમ છે. આજ રોજ નગરપાલીકાના અંદાજપત્ર વખતે શિક્ષણમાં આટલી ઓછી ફાળવણી શા મોટ તેવો સવાલ કોગ્રેસના કાઉન્સીલર કાનજીભાઈ સોંધરાએ પણ ઉઠાવ્યો હતો. જેમાં સુધરાઈના જવાબદારો આમ કરવા પાછળના મકકમ જવાબો આપવામાં અસમર્થ જ જણાયા હતા અને આગામી દીવસોમા અન્ય ગ્રાન્ટમાથી શિક્ષણને સંતોષજનક રકમ અપાશે તેવી ઔપચારીક વાત કરતા જ જણાયા હતા.

૮૦ કરોડના જમીનકૌભાંડ મુદ્દે વિપક્ષ કાગનો વાઘ ન બને

આજે અંદાજપત્ર પુરતી જ બેઠક હતી, ૧પમીએ સામાન્ય કારોબારી મળશે તેમાં ચોકકસથી જમીન કૌભાડ મુદ્દે નગરપાલીકાથી મેળવાશે સચોટ-સાધનીક માહીતી : સતત ઠાગાઠૈયા જ કરાશે તો નામદાર અદાલતના પણ ખખડાવીશું દ્વાર : વિપક્ષી નગરસેવકોનો હુંકાર
ગાંધીધામ : મુંદરા-બારોઈના સરકારી પડતર અને ખરાબાની જમીન ગ્રામ પંચાયત વિસર્જીત થઈ અને નગરપાલીકા અસ્તિત્વમાં આવી તે વચ્ચેના પખવાડીયામાં કરોડોની જમીન પાણીના ભાવે ખાનગી માલીકી-ભોગવટાની બતાવી દેવાનુ પ્રકરણ ગાજ્યુ છે ત્યારે આજ રોજ આ વિષય પર ચર્ચા ન થવા પામતા હવે આગામી ૧પમાીએ સુધરાઈની સામાન્ય કારોબારીમાં ચોકકસથી આ બાબતે સુધરાઈના વહીવટદારો સહિતનાઓના કાન આમળવામા આવશે, તેઓથી આ બાબતે સાધનીક દસ્તાવેજી માહીતીઓ પણ માંગવામા આવશે અને જો ઠાગાઠૈયા કરવામા આવતા જ રહેશે તો કોગ્રેસના વિપક્ષી નગરસેવકો આ વિષયને નામદાર અદાલતના દ્વાર પણ ખટખટાવાની તૈયારી કરી રહ્યા હોવાનુ નારાણભાઈ તથા કાનજીભાઈ સહિતના વિપક્ષી કાઉન્સીલરો દ્વારા આજ રોજ પ્રતિક્રીયાઓ આપતા જણાવાયુ છે.