મુંદરામાં પ૮ હજારની ચોરીમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી

મુંદરા : શહેરમાં આવેલા હિન્દ ટર્મિનલના સીએફએસના બંધ વરંડામાંથી થયેલી પ૮ હજારના ઝિંક ધાતુ ચોરીમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હિન્દ ટર્મિનલ સીએફએસના બંધ વરંડાામાંથી કોઈ ચોર ગત તા. ૧૪-૭ના ઝીંક ધાતુના ચોરસા નંગ ૧૦ કિ.રૂા. પ૮ હજારની ચોરી કરી ગયા હતા. મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાતા પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એન. ચૌહાણની સુચનાથી તપાસનું પગેરૂ દબાવતા મુસ્તાક અબ્દુલગની પારા (ઉ.વ. ર૪) (રહે મુંદરા) તથા સુલતાન મહમદ કુંભાર (ઉ.વ. ર૪) (રહે બારોઈ)ને પકડી પાડયા હતા. તેમના પાસેથી ઝીંક ધાતુના ચોરસો નં. ૭ મળી આવતા બંનેને પુછતાછમાં પોતે ચોરી કરેલાની કેફીયત આપતા આરોપીઓ પાસેથી ૧૦ ચોરસા કિ.રૂા. પ૮,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી. આરોપીઓ સાથે ચોરીમાં કેટલા શખ્સો સંડોવાયેલા છે તેમજ અન્ય કેટલી ચોરીના બનાવને અંજામ આપેલ તે જાણવા રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલી છે. ચોરીનો ભેદ ઉકલ્યાની કામગીરીમાં પીઆઈ શ્રી ચૌહાણ સાથે પીએસઆઈ કે.એચ. બારિયા સાથે સ્ટાફના નારણભાઈ રાઠોડ, પ્રદિપસિંહ ઝાલા, વાલાભાઈ આહિર, અશોક કનાદ, રવજી ખરાડિયા, કાનજી દેસાઈ, ખોડુભા ચુડાસમા, જયપાલસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.