મુંદરામાં ધારાસભ્યએ લોકસંવાદમાં સાંભળી લોકોની રજૂઆતો

મુંદરા : અહીંની પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમભમાં અનેક સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મૂક્તિ અપાવવા તેમજ તાલુકાના કણઝરા ગામના રવા આયરે પીજીવીસીએલને લગતી સમસ્યાઓ અંગે તેમજ વિવિધ જમીન ફાળવણી અંગે રજૂઆત કરી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ વિરમ ગઢવીએ તાલુકાના ખેડૂતોને પીજીવીસીએલ દ્વારા થતી કનડગત અંગે રજૂઆત કરી હતી.
મામલતદારની ઈ-ધરા શાખામાં લોકોને પડતી મુશ્કેલી નિવારવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. તાલુકા કિસાન સંઘે નર્મદાના પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી. તેમજ ભુજપુરમાં અપાયેલા કામો સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ગેલડા ગામે પીજીવીસીએલનું કામ નબળું હોવાથી અવાર- નવાર વીજ ધાંધિયાને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી પોકારી ઉઠ્‌યા છે, તો પીજીવીસીએલ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે, પરંતુ મેન્ટેનસ બિલકુલ કરવામાં આવતુ નથી. પ્રધાનમંત્રી ફસલ યોજનામાં ખેડૂતોને વીમો મળતો નથી તેવી ફરિયાદો ખેડૂતો દ્વારા કરાઈ હતી. લોક સંવાદમાં મોટા ભાગે ખેડૂતોને લગતા પ્રશ્નો જ હોવા છતાં ખેતીવાડી ખાતાના જ અધિકારી હાજર ન રહેતાં ખેડૂતો વિફર્યા હતા. મુન્દ્રા
પાંજરાપોળના પ્રમુખ નવીન મહેતા અને ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રના ગિરીશ નાગડા તેમજ અન્ય ગૌશાળાના અગ્રણીઓએ પાંજરાપોળને સતાવતા કુલ ૧૩ જેટલા પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ કરી હતી. સામાજિક કાર્યકર્તા સંજય બાપટે મુન્દ્રા શહેરને સતાવતા ૧૩ પ્રશ્નો રજૂ કર્યા હતા.
ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એ.કે. વસ્તાણી, મામલતદાર શ્રી વાઘેલા, નાયબ મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજા, નાયબ ટીડીઓ મનીષ હર્ષ, માર્ગ મકાન વિભાગના સી.એન ખંડેરિયા, વનખાતાના પી.વી. આંઝના સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરીયા, કીર્તિ રાજગોર, ડાહ્યાલાલ આહિર, મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસર, શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોશી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ દશરથબા ચૌહાણ, ઉપપ્રમુખ ખેંગાર ગિલવા, એ.પી.એમ.સીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, અશોક મહેશ્વરી, વિશ્રામ ભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.