મુંદરાની પીટીસી-બીએડ કોલેજની છાત્રાઓ બસ મુદ્દે બની રણચંડી

મુંદરાથી માંડવી જવાની બસના ધાંધિયાથી ડેપોમાં કર્યું ચક્કાજામ

મુંદરા : પીટીસી અને બીએડ કોલેજની વિધાર્થિનીઓ પોતાની બસની સમસ્યા મુદ્દે રણચંડી બની હતી. માંડવીથી મુંદરા અપડાઉન કરતી વિધાર્થિનીઓની બસ સમયસર ન આવતાં છાત્રાઓએ મુંદરા બસ સ્ટેશન ચક્કાજામ કર્યા હતા.
છેલ્લા ૧૫ દિવસથી મુંદરાથી માંડવી જવા માટે કોલેજની છાત્રાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ૪ વાગ્યે કોલેજ છુટ્યા બાદ મુંદરાથી માંડવી જવા માટે પોણા પાંચ વાગ્યાની એક જ બસ છે. પરંતુ આ બસ પોણા છથી સાડા છ સુધી પણ ન લાગતા વિધાર્થિનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ પણ અનેક વખત એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતા કોઈ નિવેડો ન આવતાં છાત્રાઓ રોષે ભરાઈ હતી. અને ચક્કાજામ કર્યા હતા. આજે તપાસ કરતાં
ડેપો મેનેજર રાજસ્થાન ફરવા ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. મુંદરા
પોલીસનો કાફલો બસ સ્ટેશન ધસી આવ્યો હતો. તો રાજકીય આગેવાનો પણ દોડી આવ્યા હતા. ત્યારે છાત્રાઓએ પોલીસ સમક્ષ પણ પોતાની રજૂઆત કરી હતી. જેમાં
પીએસઆઈ પરમાર, નાના કપાયાના શામજી સોંધમ, કપીલ કેશરિયા સહિતના અગ્રણીઓની હાજરીમાં મધ્યસ્થી થઈ હતી. અને ત્રણ દિવસમાં રાબેતા મુજબ બસ થશે તેવી બાંહેધરી અપાઈ હતી. ત્યારે છાત્રાઓએ પ્રદર્શન પડતુ મુકીને ટ્રાફિક મુક્ત કર્યો હતો.