મુંદરાના સેખડીયાની સીમમાંથી ઝડપાયો ૫૮ હજારનો શરાબ

મુંદરા : તાલુકાના સેખડીયા ગામની સીમમાંથી મુંદરા મરીન પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન રૂ.૫૮ હજારના ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પીધેલા બાઈક સવારને ઝડપ્યા બાદ સીમ વિસ્તારમાં ગાય-ભેંસોના વાડામાંથી અન્ય એક શખ્સ સાથે ૧૪૫ નંગ દારૂની બોટલ કબ્જે કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા મરીન પોલીસ મથકની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લુણી ગામના રેલવે ફાટક પાસેથી આરોપી રાગા ડોસા પારાધીને નશાની હાલતમાં મોટર સાયકલ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબ્જામાંથી વ્હિસ્કીની એક બોટલ પણ મળી આવી હતી. આરોપીની પુછતાછ કરતા આ બોટલ તેને સેખડીયા ગામે સીમ વિસ્તારમાં ગાય-ભેંસોનો વાડો ચલાવતા ગોકુલ પબુ ગઢવી પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીને સાથે રાખીને ગોકુલ ગઢવીના વાડા પર દરોડો પાડતા તેના કબ્જામાં વધુ ૧૪૪ બોટલ મળી આવી હતી. આ દારૂ અંગે પુછપરછ કરતા તેણે મંગા કાના ગઢવી પાસેથી મેળવી હોવાનું જણાવતા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી એક મોટર સાયકલ, મોબાઈલ અને દારૂનો જથ્થો કબ્જે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.