મુંદરાના સુખપરમાં પ્રેમ પ્રકરણની અદાવતે બે જુથો વચ્ચે ધીંગાણું

મુંદરા પોલીસ મથકે આઠ શખ્સો વિરૂદ્ધ સામ સામે ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)મુંદરા : તાલુકાના સુખપર ગામે પ્રેમ પ્રકરણની અદાવતે બે જુથો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. લોખંડના પાઈપ, લાકડી, ધોકા સહિતના હથિયારો સાથે બન્ને પક્ષો સામ સામે આવી જતા એક બીજાને લોહીયાળ ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે મુંદરા પોલીસ મથકે આઠ શખ્સો વિરૂદ્ધ સામ સામે ફરિયાદ નોંધાઈ હતી.
મુંદરા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રમજાન સીધીક જુણેજાએ શકીલ અજીજ સમેજા, હબીબ મીયાણા, કુલસુમ અજીજ સમેજા, અમુબાઈ મીયાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી આરોપીઓ પૈકી એકની દિકરી સાથે પ્રેમ કરતો હતો, જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ એક સંપ કરી ફરિયાદી અને તેના મામા સુલેમાનને લોખંડના પાઈપ, લાકડી, ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તો પ્રતિ ફરિયાદ અમીનાબેન અમીન જામે આરોપી રમજાન ઉર્ફે અકુ જુણેજા, સુલેમાન ફકીરમામદ સોતા, રજાક ફકીરમામદ સોતા અને રૂકીયા અભુ વિરૂદ્ધ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના સબંધીના ઘર પાસે આરોપી આંટા ફેરા કરતો હતો. દરમ્યાન તું અહીં કેમ આંટા ફેરા કેમ કરે છે તેવું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ તેના સાગરીતો સાથે મળીને લોખંડના પાઈપથી સાહેદ શકીલ અને ફરિયાદીને માર માર્યો હતો. બનાવને પગલે મુંદરા પોલીસે સામ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.