સમાઘોઘામાં ૩.૭૦ લાખ તેમજ શિરાચામાં ર.ર૬ લાખનો ઝડપાયો હતો આધાર પુરાવા વિનાનો બાયોડીઝલ જથ્થો : બંને બનાવોમાં પંપ માલિકો સામે પુરવઠા નાયબ મામલતદારે નોંધાવ્યો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા) મુંદરા : તાલુકાના સમાઘોઘા અને શિરાચા નજીક બે પંપમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો હતો. જેમાં લેબોરેટરી તપાસના રિપોર્ટ આવ્યા બાદ મુંદરાના પુરવઠા મામલતદારે બે જુદી જુદી ફોજદારી ફરિયાદો પપ માલિકો સામે નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત ૧ ઓકટોબર ર૦ર૦ના સમાઘોઘા નજીક સિદ્ધિ વિનાયક બાયોફ્યુલ પંપમાં દરોડો પાડીને ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે તે વખતે ૩,૭૮,રપ૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જેની તપાસને અંતે મુંદરા પુરવઠા મામલતદાર ચેતનકુમાર પ્રજાપતિએ પંપ સંચાલક ધર્મેન્દ્રસિંહ દિલુભા જાડેજા વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ જવલંનશીલ પદાર્થનો અનઅધિકૃત રીતે પાસ પરમીટ વિના સંગ્રહ કરીને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમોનો ભંગ કરી ગુનો આચાર્યો હતો. તેવી જ રીતે શિચારા સ્ટેટ હાઈવે પર આવેલ આશાપુરા પેટ્રોલિયમમાંથી ગત ૩જી ઓકટોબર ર૦ર૦ના રૂપિયા ર,ર૬,૦૦૦નો ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અંગે મુંદરાના પુરવઠા નાયબ મામલતદારે આશાપુરા પેટ્રોલિયમના બિપિન શાંતિલાલ દડગા (રહે બિદડા) વિરૂદ્ધ મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ આરોપીએ આવશ્યક ચીજવસ્તુઓની ધારાનો ભંગ કરી અધિકૃત અધિકારી પાસેથી પાસ પરમીટ મેળવ્યા વિના જવલંનશીલ પદાર્થનો ગેરકાયદેેસર રીતે સંગ્રહ કરીને ગુનો આચાર્યો હતો. બંને ગુના કામે મુંદરા પોલીસે વિધિવત ફોજદારી ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.