મુંદરાના લુણીમાંથી ૧ર ચોપડી ભણેલા બોગસ તબીબની કરાઈ ધરપકડ

માન્ય મેડિકલ ડિગ્રી વગર લોકોને ઈન્જેક્શન અને દવા આપનાર શખ્સને પોલીસે ઝડપ્યો

(ક્રાઈમ પ્રતિનિધિ)મુંદરા : તાલુકાના લુણી ગામે મસ્જિદની બાજુમાં માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વીના ક્લિનીક ચલાવી લોકોને દવા અને ઈન્જેક્શન આપતા શખ્સને મુંદરા મરીન પોલીસે ઝડપી પાડયો હતો. આરોગ્ય તંત્રની ટીમને સાથે રાખીને પોલીસે પાડેલા દરોડામાં પ૬ વર્ષિય પ્રૌઢને ૩૦૪૮ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા થોડા સમયથી જિલ્લામાં માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાં પણ ક્લિનીક શરૂ કરીને લોકોને દવા – ઈન્જેક્શન આપતા બોગસ તબીબોને ઝડપી પાડવા કવાયત શરૂ કરાઈ છે. જેમાં જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી પ્રેક્ટિસ કરતા ઉંટવૈદોને પોલીસે ઝડપી પાડયા છે, તેવામાં મુંદરા તાલુકાના લુણી ગામે ૧ર ચોપડી ભણેલા અને કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના તબીબી પ્રેક્ટિસ કરતા પ્રૌઢને પોલીસે દબોચી લીધો હતો. આરોગ્ય તંત્રની ટીમને સાથે રાખીને પોલીસે કરેલી રેડમાં મુળ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નરોડા ગામના અને હાલ લુણીમાં રહેતા રામસિંહ નેનાજી મકવાણાની અટક કરવામાં આવી હતી. આરોપી માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતા ડોકટર તરીકેની પ્રેક્ટિસ કરી ક્લિનીક ચલાવતો હતો, અને બિમાર લોકોને તપાસી દવા અને ઈન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય આચરતા તેની ધરપકડ કરાઈ હતી. પોલીસે આરોપીના કબજામાંથી ૩૦૪૮ રૂપિયાની દવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરૂદ્ધ મુંદરા મરીન પોલીસ મથકના પીએસઆઈ જી. વી. વાણીયાએ સરકાર તરફે ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ગોહિલે હાથ ધરી છે.