મુંદરાના બેરાજા રોડ પર વાડીમાં ક્રિકેટના સટ્ટા પર એલસીબીનો દરોડો

ભુજના શખ્સને પોલીસે રર હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો : રાત્રે ટોર્ચના અજવાળે દિલ્હી- હૈદરાબાદની મેચ પર રમાતો હતો સટ્ટો

ભુજ : પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ દ્વારા મુંદરા તાલુકાના મોટી તુુંબડી નજીક બેરાજા રોડ પર આવેલી વાડીમાં આઈપીએલની મેચ પર રમાતા ક્રિકેટના સટ્ટાનો પર્દાફાશ કરાયો હતો. પોલીસે દરોડો પાડીને ભુજના બુકીને ઝડપી પાડયો હતો. જેમાં રાત્રે ટોર્ચના અજવાળે સટ્ટો રમાતો હતો.પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ દારૂ- જુગારની બદીઓને નેસ્ત નાબુદકરવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીને આધારે મુંદરા તાલુકાના મોટી તુંબડી નજીકના બેરાજા રોડ પર આવેલી વાડીમાં દરોડો પડાયો હતો. જેમાં ભુજના સહયોગનગર નવી રાવલવાડીમાં રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા વિશાલ ઉર્ફે રાજા પ્રદીપભાઈ સોની (ઉ.વ. ૩૧) ની ધરપકડ કરાઈ હતી.
આરોપી આઈપીએલ ની દિલ્હી કેપિટલ અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમાડાતો હતો. ભુજથી બેરાજા સુધી સટ્ટો રમાડવા લાંબા થયેલા આરોપીને કાનૂનના લાંબા હાથે ઝડપી પાડયો હતો. આરોપી પોતાના મોબાઈલ ફોનમાં બોબડી લાઈન અને ક્રિકેટ એકસચેન્જ નામની એપ્લીકેશન પર ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. ટોર્ચના અજવાળે વાડીમાં રમાતા સટ્ટા પર પોલીસે દરોડો પાડીને રોકડા રૂપિયા ૧૯૩૦ તેમજ ર૦ હજારના ૪ મોબાઈલ ફોન મળીને કુલ ર૧૯૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલસીબીએ આરોપીની ધરપકડ કરીને મુંદરા પોલીસ મથકે જુગાર ધારાની કલમો તળે ગુનો રજીસ્ટ્રર કરાવતા આગળની તપાસ હાથ ધરાઈ છે.