મુંદરાના પત્રીમાં પોલીસને બાતમી આપ્યાના મનદુઃખે બે જુથો વચ્ચે મારામારી

એક પક્ષે દારૂની બાતમી આપ્યાના મનદુઃખે અને બીજા પક્ષે રેતીના લોડર અને ટ્રેકટરો પકડાવ્યાના મનદુઃખે કરી મારામારી : મુંદરા પોલીસ મથકે ૮ વિરૂધ્ધ સામસામે ફરિયાદ

મુંદરા : તાલુકાના પત્રી ગામે પોલીસને બાતમી આપ્યાના મનદુઃખે બે જુથો વચ્ચે મારામારી થઈ હતી. દારૂની બાતમી આપ્યા અંગે તેમજ રેતી ભરેલા લોડર ટ્રેકટર પકડાવ્યાના મનદુઃખે મારામારી થઈ હતી. જે અંગે મુંદરા પોલીસ મથકે ૮ વિરૂધ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ વેજીબેન વાલજીભાઈ ચાડએ આરોપી સ્વરૂપસિંહ જાડેજા, રઘુવીરસિંહ સ્વરૂપસિંહ જાડેજા અને ભરતસિંહ સ્વરૂપસિંહ જાડેજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીના દિકરા નદવીર અને વિઠ્ઠલને દારૂ વેંચવાની બાતમી પોલીસને કેમ આપો છો તેવું જણાવીને ભૂંડી ગાળો આપી મારમાર્યો હતો. તેમજ ફરિયાદી બહેનને પણ ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો પ્રતિ પક્ષે રઘુવીરસિંહ સ્વરૂપસિંહ જાડેજાએ વેજીબેન વાલજી આહીર, મનીષ ભગુભાઈ આહિર, જીગર ભગુભાઈ આહિર, વિઠ્ઠલ વાલજી આહિર અને નદવીર વાલજી આહિર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદી અને સાહેદને રેતીના લોડર અને ટ્રેકટર કેમ પકડાવો છો, તેમ જણાવીને ભૂંડી ગાળો આપીને ધકબુશટની મારામારી કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા મુંદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મારામારીના આ બનાવમાં સામસામે ફરિયાદ નોંધાતા પીએસઆઈ સામત મહેશ્વરી તેમજ હેડ કોન્સ્ટેબલ દિનેશ ધોરિયાએ આગળની તપાસ હાથ ધરી છે.