મુંદરાના નાના કપાયામાં રેતી ચોરીના કારસ્તાનનો પર્દાફાશ કરતી એલસીબી

બાતમીના આધારે પોલીસે છાપો માર્યો : નદીમાંથી વગર રોયલ્ટીએ રેતી ભરી જતા લોડર, ડમ્પર તથા સાત ટેકટરો સાથે નવ શખ્સોની કરી ધરપકડ

 

મુંદરા : તાલુકાના નાના કપાયા ગામે નદીમાં છાપો મારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેતી ચોરીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. વાહનો સાથે નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.બી. ઔસુરાની સુચનાથી એલસીબી સ્ટાફ મુંદરા તાલુકા વિસ્તારના ગામોમાં પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન મળેલી સચોટ બાતમીના આધારે સ્ટાફે નાના કપાયા ગામની સીમમાં આવેલી નદીમાં છાપો માર્યો હતો. જયાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી વગર રેતી ચોરી કરતા લોડર, ડમ્પર તથા ૭ ટેકટરો પકડી પાડ્યા હતા, જેમાં ૪ ટેકટર તથા એક ડમ્પર રેતીથી ભરેલા મળી આવ્યા હતા, જે તમામ વાહનો કબજે કરી મુંદરા પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. જયારે રેતી ચોરી કરતા નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ લખાય છે ત્યાં સુધી એલસીબીની કાગળની કાર્યવાહી ચાલુમાં હોઈ પકડાયેલા શખ્સોના નામો તેમજ રેતી અને વાહનોની કિંમત જાણી શકાયેલ નથી.