મુંદરાના નાના કપાયામાંથી ૧૯.રર લાખનું બેઝઓઈલ ઝડપાયું

રાજસ્થાનની પેઢી અને તેના વતી કામ કરતા એક શખ્સ વિરૂદ્ધ નોંધાયો ગુનો : વિદેશથી બેઝઓઈલ ઈમ્પોર્ટ કરનાર અને કસ્ટમ ક્લિયરીંગ કરાવનારના પણ ખુલ્યા નામ : ગત ૧રમીએ ઝડપાયેલા બેઝઓઈલના જથ્થા બાદ સર્વાંગી તપાસ કરી પોલીસે નોંધી વિધિવત ફરિયાદ

ગેરકાયદેસર બેઝઓઈલ મંગાવનારાઓને જ્યાં સુધી પાસામાં પુરવામાં નહીં આવે ત્યાં સુધી આ બેઝઓઈલ પર કંટ્રોલ લાવવો મુશ્કેલ છે : કારણ કે, જે કોઈ ઘરેથી રીસાય છે તે બેઝઓઈલનો ધંધો કરે છે

સીએચએ મીનુ રાઠોડ કંપનીનું કામ કરતા ભરત ત્રીકમભાઈ મંગેની કડક ઉલટતપાસ કરાય તો આ પ્રકરણમાં ગણા નવા ખુલાસા થાય

(ક્રાઈમ પ્રતિનિધિ)મુંદરા : તાલુકાના નાના કપાયામાં ન્યુ પોર્ટ રોડ પર આવેલ બાબા રામદેવ હોટલની પાછળ મુંદરા પોલીસે દરોડો પાડીને ૧૯.રર લાખનું બેઝઓઈલ ઝડપી પાડયું હતું. જેમાં રાજસ્થાનની પેઢી અને તેનું કામ સંભાળતા શખ્સ વિરૂદ્ધ મુંદરા પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં બે ટેન્કર કબજે કરાયા છે. તેમજ એક શખ્સની અટકાયત કરીને તેની સઘન પુછપરછ કરતા બેઝઓઈલ મંગાવનાર શખ્સોના નામ પણ સપાટી આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા પોલીસની ટીમ ગેરકાયદેસર રીતે સંગ્રહ અને પરિવહન કરાતા જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થની બદીને નેસ્તનાબુદ કરવા પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પોલીસને મળેલી બાતમીને આધારે મુંદરાના નાના કપાયામાં ન્યુ પોર્ટ રોડ ઉપર બાબા રામદેવ હોટલની પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમ્યાન પોલીસે જી.જે.૧ર.બી.ડબલ્યુ.૮૪૧૦ અને જી.જે.૧ર.બી.ડબલ્યુ.૩૧૦પ નંબરના રૂપિયા પાંચ – પાંચ લાખના બે ટેન્કર કબજે કરવામાં આવ્યા હતા. જેના ચાલક રમારામ ઉમારામ અને હુસેનખાન ભૌરૂખાનની અટકાયત કરાઈ હતી. ઝડપાયેલા ટેન્કરમાંથી પોલીસે રૂપિયા ૧૯,રર,૦૦૦/-ની કિંમતનો ૩૧,૦૦૦/- બેઝઓઈલનો જથ્થો કબજે કર્યો હતો. આ બન્ને ટેન્કરો પાસે એક છોટાહાથીમાં મશીન રાખીને મશીન એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં બેઝઓઈલનો જથ્થો ગેરકાયદેસર રીતે ભરવામાં આવતો હતો. પોલીસે ઝડપાયેલા ટેન્કર ચાલકોની પુછપરછ કરતા આ મુદ્દામાલ ફેરબદલ કરવાનું તેઓને આરોપી સજનકુમાર દુર્ગાપ્રસાદ મીણાએ કહ્યું હતું. આરોપી સજનકુમાર મીણા રાજસ્થાનની અન્વિકા ઈન્ટરનેશનલ પેઢીનું કામ સંભાળતો હતો. જે આરોપી ઘટના સ્થળની આસપાસ જ હતો. પોલીસે તેને દબોચીને રાજસ્થાનની અન્વિકા ઈન્ટરનેશનલ પેઢી અને સજનકુમાર વિરૂદ્ધ વિધિવત એફઆઈઆર નોંધી હતી. જે તે વખતે તા. ૧ર-૭ના ઝડપાયેલા મુદ્દામાલ બાદ આરોપી સજનકુમારની સઘન પુછપરછ કરાતા આ બેઝઓઈલનો જથ્થો ઈમ્પોર્ટ કરનાર તરીકે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોવિંદનગર મોવીયાના વતની દિપકભાઈ રમેશભાઈ પાલડીયા જે આશીર્વાદ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવે છે અને તેના નામે જ જથ્થો ઈમ્પોર્ટ કરાયો હતો. તેમજ આશીર્વાદ પેઢીએ આદિનાથ એન્ટરપ્રાઈઝના યોગેશ ચંદ્રનાથ પાંચાણીને જથ્થો આપ્યો હતો. આ જથ્થો સીએચએ મીનુ રાઠોડ કંપનીનું કામ કરતા ભરત ત્રિકમભાઈ મંગે (રહે. ડીસી-પ, એસપી ઓફિસની પાછળ, ગાંધીધામ) વાળાએ કસ્ટમ ક્લિયરીંગ કરાવ્યા બાદ બેઝઓઈલ કાર્ગો આદિનાથ એન્ટરપ્રાઈને વેંચાણ કરેલ અને આદિનાથ એન્ટરપ્રાઈઝે બેઝઓઈલનો આ જથ્થો રાજસ્થાનની અન્વિકા ઈન્ટરનેશનલને વેંચાણથી આપ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં મુળ સુધી ગયેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, આશીર્વાદ એન્ટરપ્રાઈઝે ઝુબેર અલી પોર્ટથી મુંદરા પોર્ટ પર આ બેઝઓઈલનો જથ્થો ઈમ્પોર્ટ કર્યો હતો, ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વાહનો તેમજ ૧૯.રર લાખના બેઝઓઈલનો જથ્થો કબજે કર્યો છે અને રાજસ્થાનની અન્વિકા ઈન્ટરનેશનલ પેઢીના યોગેશ ગુપ્તાના કહેવાથી આરોપી સજનકુમાર દુર્ગાપ્રસાદ મીણાએ બેઝઓઈલના જથ્થાનું લોડીંગ – અનલોડીંગ કરીને ગુનો આચર્યો હતો.ઉલ્લેખનીય છે કે, બેઝઓઈલના કિસ્સાઓમાં મુંદરા પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરીને બેઝઓઈલનો જથ્થો વિદેશથી ઈમ્પોર્ટ કરનાર અને તેનું વેંચાણ કરનાર શખ્સોના નામો ખોલ્યા છે. આ રીતે મોટા ભાગના કિસ્સાઓમાં જો ઉંડાણપૂર્વકની તટસ્થ તપાસ થાય તો જ બેઝઓઈલના કાળા કારોબાર પર અંકુશ લગાવી શકાય તેમ છે.