મુંદરાના કપાયામાં ભંગારના વાડામાં આગનો બનાવ

મુંદરા : તાલુકાના કપાયામાં આવેલા ભંગારના ખાનગી વાડામાં શોર્ટ-સર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો. ભીષણ આગને કારણે ધુમાડાના ગોટેગોટા આખાશમાં ઉડતા જોવા મળ્યા હતા. બનાવને પગલે અદાણી પોર્ટ અને જિંદાલ સો-પાઇપ કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મુન્દ્રાભુજ ધોરીમાર્ગ પર આવેલા કપાયા ગામ નજીકના ખાનગી ભંગારના વાડામાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. ગુરૂવારે બનેલા આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સુત્રોના જાણાવ્યા પ્રમાણે ફળફ્રૂટની ખાલી લાકડાની પેટીઓ અને તેમાં પડેલા બિન ઉપયોગી ઘાસના કચરા સહિતની ભંગાર વસ્તુઓમાં આગ લાગી હતી. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યુ હતું. સદભાગ્યે આગની ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી. બનાવની જાણ સ્થાનિક તંત્રને થતા અદાણી પોર્ટ અને જિંદાલ સો-પાઇપ કંપનીના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવીને અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.