મુંદરાથી જાફરાબાદ જતી બસનો ગુંદાલા પાસે અકસ્માત : ૬ મુસાફરોને ઈજા

એસ.ટી. બસ આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ એસ.ટી. ભટકાઈ

મુંદરા : તાલુકાના ગુંદાલા નજીક એસટી બસ ટ્રકની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદ્‌નસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પરંતુ બસમાં સવાર છ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચતા મુંદરા સીએચસીમાં ખસેડી પાટાપીંડી કરાવાઈ હતી.મુંદરા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુંદરાથી જાફરાબાદ રૂટની બસ મુંદરા ડેપોથી નીકળી હતી અને સવારે સવા દસ વાગ્યાના અરસામાંં ગુંદાલા નજીક બસનો અકસ્માત થયો હતો. બસ ડ્રાઈવર વિજય અંબારામ પરમારે આપેલી વિગતોને આધારે પોલીસે જણાવ્યું હતું કે, બસની આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા બસ તેની પાછળ ભટકાઈ હતી. જેમાં એસટી બસમાં સવાર ૬ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતમાં દર્શનાબેન રમણીક હડીયા, સગુણાબેન રમણીક હડીયા, પ્રેમાબેન કરશન બારોટ, રિદ્ધિબેન ગઢવી, અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ જાડેજા તેમજ ભગવાનભાઈ મગનભાઈ બારીયાને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે મુંદરા સીએચસીમાં ખસેડાયા હોવાનું મુંદરા મરીન પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું.