મુંદરાથી અમદાવાદ જતો એલ્યુમિનિયમનો ૩.૬ર લાખનો સ્ક્રેપ રસ્તામાં સગેવગે કરાયો

ર ટન ૬૦૦ કિલો માલ ઓછો પહોંચાડનાર ડ્રાઈવર અને કંપનીના સુપરવાઈઝર સામે ફોજદારી

મુંદરા : અવાર નવાર બંદરેથી અન્ય સ્થળોએ ટ્રાન્સપોર્ટમાં જતો જથ્થો સગેવગે કરવામાં આવતો હોય છે. અત્યાર સુધી કોલસાની આવી રીતે ગોલમાલ થતી હતી. અને હવે મુંદરા પોર્ટથી નિકળેલો ભંગારનો જથ્થો રસ્તામાં સગેવગે કરી દેવાતા ડ્રાઈવર અને કંપનીના સુપરવાઈઝર સામે મુંદરામાં ફરિયાદ નોંધાઈ છે.આદિપુરમાં રહેતા ટ્રાન્સપોર્ટર ભાવેશભાઈ ડુંગરભાઈ કટારિયાએ મુંદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રાજસ્થાનના ડ્રાઈવર મહારાજસિંગ તિકમસિંગ નામના ડ્રાઈવરના કબ્જામાં રહેલ ટ્રેઈલર નંબર જી.જે. ૧૮ બીટી ૩૯પપમાં એલ્યુમિનિયમનો ર૦ ટન ર૦૦ કિલો સ્ક્રેપ ભરવામાં આવ્યો હતો. સ્ક્રેપનો જથ્થો મુંદરા પોર્ટથી અમદાવાદમાં કોઠાવાડા ખાતે આવેલ જીઆઈડીસીમાં આલ્મો મેટર રીકલીંગ એલએલપી કંપનીમાં ખાલી કરવા જણાવાયું હતું. જો કે ડ્રાઈવરે મુંદરાથી અમદાવાદ જતા રસ્તે સ્ક્રેપમાંથી આશરે ર ટન ૬૦૦ કિલો જથ્થો કિ.રૂા. ૩.૬ર લાખનો મુદ્દામાલ રસ્તામાં સગેવગે કરી જીઆઈડીસીમાં ઓછો માલ પહોચાડ્યો હતો. ઉપરાંત ફરિયાદી દ્વારા આલમો કંપનીના સુપરવાઈઝર મયુરભાઈ હસમુખભાઈ સોનીને ડ્રાઈવર બાબતે પુછવામાં આવ્યું તો ડ્રાઈવર આજે આવશે, કાલે આવશે તેવા બહાના બતાવ્યા હતા. જેથી ડ્રાઈવરે ૩.૬ર લાખનો ભંગાર સગેવગે કર્યો અને સુપરવાઈઝર મયૂર સોનીએ ડ્રાઈવરને ભગાડી જવામાં મદદગારી કરતાં મુંદરા પોલીસમાં બંને સામે ફરિયાદ દાખલ કરાઈ છે.