માસ પ્રમોશન ઈફેકટ : ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટમાં ધરખમ ફેરફાર

માર્કશીટમાં પરીક્ષા રદ્‌ કરવાના જાહેરનામાનો થશે ઉલ્લેખ : શાળાઓ દ્વારા તૈયાર કરાયેલી માર્કશીટ બોર્ડ દ્વારા કરાશે રીલીઝ

ભુજ : આ વર્ષે કોરાનાની બીજી લહેરની ભયાવકતાના કારણે ઈતિહાસમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા કેન્સલ કરી કચ્છ સહિત રાજયના લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હાલમાં વિદ્યાર્થીઓની આંતરીક કસોટી તેમજ પાછલા વર્ષોના પરિણામને આધારે માસ પ્રમોશનનું રિઝલ્ટ તૈયાર કરાઈ રહ્યું છે ત્યારે આ વખતે ધો. ૧૦ અને ૧રની માર્કશીટમાં અગાઉના વર્ષોની તુલનાએ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
આ અંગેની વિગતો મુજબ આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ તો અપાશે પરંતુ તે દર વર્ષ કરતા અલગ હશે. વિદ્યાર્થીઓને ફોર્મ્યુલા પ્રમાણે માર્ક્‌સની ગણતરી કરીને માર્કસ આપવામાં આવશે. પરંતુ સરકારે પરીક્ષા રદ્‌ કરવા માટે જે જાહેરનામું બહાર પાડ્યું હતું તેની નોંધ માર્કશીટમાં કરવામાં આવશે. સામાન્ય રીતે માર્કશીટના પાછળના ભાગે બોર્ડની ગાઈડલાઈન તેમજ પરીક્ષાનો ગુણાંકન, પીઆરની ગણતરી જેવી વિગતો દર્શાવાતી હોય છે. આ વખતે માર્કસની ફોર્મ્યુલા તેમજ પરીક્ષા રદ્‌ કરવાના સરકારના જાહેરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે માર્કશીટમાં માસ પ્રમોશન અંગે કોઈ નોંધ મુકવામાં નહીં આવે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ-૧૨ના પરિણામથી ખુશ નથી તો તે ૧પ દિવસમાં બોર્ડમાં માર્કશીટ જમા કરાવી લેખિતમાં પરીક્ષા આપી શકે છે. પરંતુ ધો. ૧૦માં આવી કોઈ જોગવાઈ ડીકલેર કરાઈ નથી, જેથી વાલીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓમાં કચવાટ છે.અત્રે નોંધનીય છે કે, દર વર્ષે બોર્ડ દ્વારા રીઝલ્ટ ડીકલેર કરવામાં આવતો હોય છે. આ વર્ષે પણ આ જ પ્રથા જાળવી રાખવામાં આવશે. આ વર્ષે ધોરણ-૧૦નું પરિણામ તૈયાર કરવાની જવાબદારી જે તે સ્કૂલને સોંપવામાં આવી છે. જે બાદમાં તેને ઓનલાઇન મૂકવામાં આવશે. હાલ સ્કૂલોએ પરિણામ તૈયાર કરીને બોર્ડની સાઇટ પર મૂકી દીધું છે. બોર્ડ તરફથી જરૂરી વિધિ કરીને આ જ પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે સ્કૂલોએ તૈયાર કરેલું પરિણામ જ જાહેર થવાનું હોવાથી અનેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને મૌખિક પરિણામ અંગે સૂચના આપી દીધી છે. જેના આધારે ઘણી શાળાઓએ તો વિદ્યાર્થીઓને ધોરણ-૧૧માં પ્રવેશ પણ આપી દીધો છે.