માલેગાવ ઘાટ પર બ્રેક ફેલ થયેલી ટ્રક જીપ સાથે ટકરાઈ, ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ

(જી.એન.એસ.)નવસારી,વઘઇ સાપુતારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માલેગાંવ ઘાટ માર્ગમાં અવરનવર અકસ્માતો થતા રહે છે. માલેગાવ ઘાટમાર્ગમાં આજે વહેલી સવારે મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રક સીધી જીપ સાથે ભટકાઈ હતી, જેમાં જીપમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.માલેગાંવ ઘાટમાર્ગમાંથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થઈ હતી. આ સમયે ડાંગના ગુંદિયા ગામ પાસે જીપ સામેથી આવી રહી હતી. સાપુતારા તરફથી આવતા ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલ ટ્રકનો જીપ સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપનો ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. જીપમાં સવાર તમામ પેસેન્જરો ઘાયલ થયા હતા. જેમા ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ તમામ મુસાફરો ગોટીયામાળના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ઘવાયેલા તમામ મુસાફરોને સારવાર માટે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં. જ્યાં ૪ પેસેન્જરોની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બાદમાં વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, ટ્રક ચાલકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.