માલધારી,ખેડૂતો અને વંચિતોનાં બેલી શ્રૃજનના મોભી “કાકા”ની ચીર વિદાય

  • સંકટ સમયે હરહંમેશ કચ્છની પડખે રહેનારા કાંતિસેન શ્રોફ “કાકા” ના નિધનથી કચ્છનું જાહેર જીવન બન્યું રંક

રાજકીય-સામાજિક આગેવાનોએ આપી શ્રધ્ધાંજલિ

ભુજ : જાણીતા ઉદ્યોગપત,દાનવીર અને શ્રૃજન સંસ્થાના મોભી કાંતિસેન શ્રોફ “કાકા”ના દુઃખદ નિધનથી કચ્છના જાહેર જીવનમાં ન પુરાય તેવી ખોટ પડી છે.ખેડૂતોમાં નોંધનીય કામગીરી કરનાર કાકાની વિદાયથી જગતના તાતે તેમના હામી ગુમાવ્યા છે.ઉદ્યોગ જગતના પિતામહ ગણાતા અને ખેડૂતોને પીઠબળ બની રહેવાના ઉદ્યોગ મંત્ર સ્વરૂપે તેમણે એકસેલ ક્રોપ કેર લી.ની સ્થાપના કરી.કાંતિકાકા તરીકે ઓળખાતા આ કચ્છીમાડુએ ૧૯૭૦માં ભાવનગરને કર્મભૂમિ બનાવીને એક્સેલનો પાયો નાખ્યો અને એક્સેલ ઈન્ડસ્ટ્રીઝે ઉદ્યોગ જગતની એક મિશાલ કાયમ કરી. ઔદ્યોગીક ક્ષેત્રે ક્રાંતિ કર્યા બાદ સામાજિક, શૈક્ષણિક અને કલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કાંતિ કાકાએ તેમના ધર્મપત્ની ચંદાબા સાથે અનેક સમાજ ઉપયોગી સેવાના કાર્યો કર્યા. કાકા દ્વારા માલધારી વર્ગ અને ખેડૂતોના ઉત્થાન માટે હંમેશા કાર્ય કરાયું અને તેમના ધર્મપત્ની કાર્ય કરાયું અને તેમના ધર્મપત્ની સ્વ. ચંદાબાએ હસ્તકલા ક્ષેત્રે કચ્છની મહિલાઓને પ્લેટફોર્મ પૂરી પાડીને તેમને પગભર બનાવવા પ્રયાસ કરાયો. કચ્છ પર કયારેય પણ કોઈ કુદરતી કે માનવ સર્જિત આફત આવે ત્યરે કાકા હંમેશા કચ્છની પડખે રહ્યા હતા. તેમની ચીર વિદાયથી કચ્છનું જાહેર જીવન રંક બન્યું છે. ઉંડા અભ્યાસુ અને દાનવીર એવા કાંતિસેન શ્રોફના નિધનને પગલે સામાજિક-રાજકિય આગેવાનોએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે. રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ કાકાના નિધનના સમાચાર સાંભળીને દુઃખની લાગણી વ્યકતકરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

લોકશક્તિ દ્વારા ગ્રામ પુનરુત્થાન કરનાર સંસ્કારપુરુષ એટલે કાંતિસેન શ્રોફ

ભુજ : કચ્છમાં કાકા તરીકે વ્હાલસોયા નામે જાણીતા કાંતિસેન શ્રોફ વિષે મનસુખભાઈ સલ્લાએ તેમના વિષે એક લેખ આલેખેલો. જેમાં કાકાના જીવન વિષેની અનેક વિગતો તેમણે રજૂ કરી હતી. કોલેજનો અભ્યાસ પૂરો કરીને મુંબઈમાં તેઓ તાલીમ પામ્યા. ભાવનગરમાં ઉદ્યોગને સ્થિર અને વિકસીત કર્યો. મોટાભાઈ ગોવિંદભાઈના અવસાન પછી એક્સેલની ધુરા અને કાર્યદક્ષતા અને દ્રષ્ટિપૂર્વક સંભાળીને અગ્રણી ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી. કચ્છમાં ૧૯૯૯માં આવેલા વાવાઝોડા અને ર૦૦૧માં આવેલા ધરતીકંપ વેળાએ કાકાએ ઉત્સાહથી કચ્છની વહારે આવ્યા હતા. કચ્છની ર૮ સંસ્થાઓનું સંયોજન કરી કચ્છ નવ નિર્માણ અભિયાનના તેઓ સંયોજક તત્વ તરીકે બની રહ્યા. વિવેકાનંદ રિચર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (મે ૧૯૭૮) થી શરૂ થયેલી પ્રવૃતિઓનો સતત વ્યાપ વિસ્તારવામાં આવ્યો. એગ્રોસેલ સર્વિસ સેન્ટર, વિવેકાનંદ ગ્રામો ઉદ્યોગ સોસાયટી, શ્રૃજન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એમ અનેક સંસ્થા સ્વરૂપે કામગીરીઓ વિકસાવવામાં આવી. તેમના વિકાસના કેન્દ્રમાં ગામડુ અને ગ્રામજન રહ્યા. કચ્છમાં ધરતીકંપ, વાવાઝોડા વખતે તેમની સંસ્થાઓ દ્વારા સંચાલનભરી દ્રષ્ટિએ કામગીરી કરવામાં આવી. વીઆરટીઆઈ અને તેની ભગીની સંસ્થાઓ દ્વારા માલધારીઓ અને ખેડૂતોને વિવિધ રીતે ઉપયોગી થવાયું. જેમાં ગાંડા બાવળોની ફળિયોમાંથી સસ્તુ દાણખાણ માલધારીઓ જાતે બનાવતા થાય તે માટે પ્રેરીત કરાયા. ઘાસચારા બેંક સ્થાપવી, જળ બચત અને જળ સંચય માટે ચેકડેમ, તળાવ, ખેત તલાવડી, કુવા રીચાર્જીંગ જેવા પ્રોજેકટ સાથે પાક પદ્ધતિઓના પ્રચાર – પ્રસારના કાર્યક્રમો કરાયા. જમીનની ખારાસ દુર કરવા માટે સંશોધન કેન્દ્રોની કામગીરી.
સૂર્યમુખી, રાયડો, ચણા, સોયાબીન જેવી જાતોની ચકાસણી, પર્યાવરણ લક્ષી કાર્યક્રમ, ખારેકના પાકની સુધારણા પ્રોસેસીંગ સહિતના કાર્યો તેમની સંસ્થા દ્વારા કરાયા. માંડવી તાલુકામાં ર૩ ગામોમાં મહિલાઓની ભાગીદારીથી ચાલતા સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની ઉપલબ્ધતા, શાળા અને વૃક્ષારોપણના કાર્યક્રમો નિર્દશનરૂપ છે. તેમની સંસ્થાઓ વતી આટલી કામગીરી કર્યા છતા તેમને તૃપ્તિ ન થતા તેઓ તેમના સાથીઓ સાથે સતત ચર્ચા, બેઠક, સેમીનાર, કાર્યશાળાઓનું આયોજન કરીને ગામડાઓમાં શહેરો જેવી સગવડો હોય તેવું સદ્‌ગત રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના સુત્રને ચરિતાર્થ કરવા માટે તેઓ જીવન પર્યંત સુધી સતત ચિંતનશીલ રહ્યા. જીવનકાળ દરમ્યાન તેમના વિવિધ કાર્યો થકી અનેક એવોર્ડથી તેઓનું યશસ્વી સન્માન પણ કરવામાં આવ્યું. કાંતિસેન શ્રોફ દ્વારા કચ્છમાં થયેલા ગ્રામ સમાજના નવ નિર્માણના નમુનેદાર કામ માટે શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક ફાઉન્ડેશન’નો વર્ષ ર૦૦૬નો ગ્રામપુનર રચના એવોર્ડ અર્પણ થયો હતો.