માર્કશીટમાં સહીના છબરડામાં યુનિએ પોતાની ભૂલ પ્રિન્ટીંગ પ્રેસ પર ઢોળી

૧ હજાર જેટલી માર્કશીટમાં વર્તમાન રજિસ્ટ્રારના બદલે જૂના રજિસ્ટ્રારની હતી સહી

ભુજ : કચ્છ યુનિવર્સિટીના વહિવટી વિભાગમાં કાયમી કર્મચારીઓની સ્ટાફ ઘટના કારણે અવાર નવાર ભોપાળા સામે આવતા હોય છે ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને જે માર્કશીટ આપવામાં આવે છે, તેમાં છબરડો સામે આવ્યો છે. કારણ કે, હાલમાં રજિસ્ટ્રાર તરીકે ડૉ. જે.એમ. બુટાણી કાર્યરત છે. જોકે, માર્કશીટમાં જૂના રજિસ્ટ્રાર ડૉ. આર.વી. બસિયાની સહી કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે અમુક માર્કશીટ વિદ્યાર્થીઓ સુધી પહોંચી પણ ગઈ હતી. બાદમાં ભૂલનું બ્રહ્મજ્ઞાન થતા માર્કશીટો પરત ખેંચી દોષનો ટોપલો પ્રિન્ટીંગ પ્રેસ પર ઢોળી દેવાયો હોવાનો તાલ છે.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરી વિગતો પ્રેસને અપાય, જે બાદ તેનું પ્રિન્ટીંગ કરવામાં આવે. જોકે, આ કિસ્સામાં તો પ્રિન્ટીંગ પ્રેસે ૧૦૦૦ માર્કશીટ છાપી નાખી. બાદમાં ભૂલ સામે આવી છે, જેથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની માર્કશીટ કોઈ ચેક કરતું નથી. અથવા લોલમલોલ કામગીરી થાય છે તેવું સ્પષ્ટ જણાય છે. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે જે માર્કશીટ મહત્ત્વની હોય અને યુનિવર્સિટીની જે મુખ્ય કામગીરી છે તેમાં જ ચેકીંગ ન કરી છબરડો કરવામાં આવે તે નાની નહીં પણ મોટી ભૂલ છે. આ બાબતે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. જે.એમ. બુટાણીએ ખૂલાસો આપતા કહ્યું કે, સંકુલમાં અધિકારીઓ બદલાયા છે, પરંતુ જૂના જાહેરનામાના આધારે માર્કશીટ તૈયાર કરવા પ્રિન્ટીંગ પ્રેસમાં મોકલાઈ હતી, જેમાં શરતચૂકથી નવા રજિસ્ટ્રારના બદલે જૂના રજિસ્ટ્રારની સહી દર્શાવાઈ છે, જે પ્રિન્ટીંગ પ્રેસની ભૂલ છે. યુનિવર્સિટી દ્વારા પરિણામોનું ચેકીંગ કેમ કરાતું નથી ? તેવો સવાલ પૂછતા કહ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા પ્રિન્ટીંગ પ્રેસને ખાલી માર્કસ મોકલવામાં આવે છે. પ્રિન્ટીંગ પ્રેસમાં સહીનો થમ્બ હોય છે. જેઓ દ્વારા માર્કસના આધારે રીઝલ્ટ તૈયાર કરી યુનિવર્સિટીને આપવામાં આવે છે. સહીના છબરડાવાળી માર્કશીટ પરત ખેંચી લેવાઈ છે. નવી માર્કશીટ ફ્રી ઓફ કોસ્ટમાં પ્રેસ દ્વારા છાપીને ૧૦ થી ૧પ દિવસમાં આપી દેવાશે, જે બાદ તેનું વિતરણ કરાશે તેવું ઉમેર્યું હતું.