‘મારે તને મળવું છે કેટલા પૈસા જોઈએ છે’ તેવું કહી માતા – પુત્રી પર હુમલો

ગુંદાલામાં બનેલા બનાવને પગલે મુંદરા મરીન પોલીસ મથકે બે શખ્સો સામે ફોજદારી

(ક્રાઈમ પ્રતિનિધ)મુંદરા : તાલુકાના ગુંદાલા ગામે બે શખ્સોએ પરિણીતાને વોટસઅપ મેસેજ કરી મળવા આવવાનું કહ્યું હતું. સાથે તને કેટલા પૈસા જોઈએ છે તેવું પણ ગર્ભિત રીતે જણાવ્યું હતું. પરિણીતાએ મેસેજ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ તેને અને તેની માતાને માર મારી ઈજાઓ પહોંચાડી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાલાના રાંભીયા ફળિયામાં રહેતી રપ વર્ષિય પરિણીતાએ આરોપી નિશાંત કંદર્પભાઈ બબલા અને સતીષ ક્રિષ્નારાવ કોરાડા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી નિશાંતે પોતાના મોબાઈલ પરથી ફરિયાદી મહિલાને મારે તને મલવું છે, તને કેટલા પૈસા જોઈએ છે તેવો મેસેજ કર્યો હતો, જેથી ફરિયાદીએ આવા મેસેજ નહીં કરવાનું જણાવતા ઉશ્કેરાયેલા આરોપીઓએ તેના ઘેર ધસી આવી ફરિયાદી અને તેની માતાને બહાર બોલાવી લાકડી, ધોકા વડે અને ધકબુશટનો માર માર્યો હતો. મારામારીની આ ઘટનામાં સાહેદ ઈશ્વરભાઈને પણ ધકબુશટનો માર મારીને આરોપીઓએ છરી કાઢી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે મુંદરા મરીન પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ જી. વી. વાણીયાએ આગળની તપાસ હાથ ધરી છે.