મારું ગામ કોરોના મુક્ત ગામ”થકી કોરોના મુક્ત ભારતની પરિકલ્પના સાકાર થશે : નખત્રાણા તાલુકાના ૬ ગામડાઓમાં જાગૃતિ અને સમજદારીના પગલે કોરોનાને નો એન્ટ્રી

કોરોના મહામારી ના સમયમાં શહેરીકરણ પર બ્રેક લાગી છે અને લોકો ગામડાઓ તરફ પાછા વળી રહ્યા છે ત્યારે ગામડામાં તકેદારીના પગલાં લેવાય અને કોરોના સંક્રમણને વિસ્તરતું અટકાવવા પગલાં લેવાય તે ખૂબ જરૂરી છે. આ સંજોગોમાં ગ્રામ પંચાયતની કાર્યક્ષમ કામગીરી,લોકોની જાગૃતિ અને જનભાગીદારી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આવી જ જાગૃતિ અને જનભાગીદારી દાખવી છે નખત્રાણા તાલુકાના ૬  ગામડાઓએ  કે જ્યાં કોરોના પ્રવેશી શક્યો નથી અને અપવાદરૂપ ક્યાંક પ્રવેશ્યો પણ છે તો ટકી શક્યો નથી. નખત્રાણા તાલુકાના વિભાપર ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ ગામને  સેનેટાઈઝ કરવામાં આવ્યું છે અગાઉ ગામમાં બે કેસ પોઝિટિવ કેસ આવ્યા હતા જેમને સ્થાનિક જ કવોરન્ટાઈન કરી મંગવાણા પી.એચ.સી ની ટીમ ના સહયોગથી સારવાર કરવામાં આવી હતી. અને તેઓ સ્વસ્થ પણ થઈ ગયા.આમ ગામમાં હવે એક પણ કેસ નથી તથા ૧૫ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત અન્ય આરોગ્યને લગતી બાબતો જેમ કે ટેસ્ટિંગ હોય કે રસીકરણ હોય અથવા દવાઓ વગેરે માટે મંગવાણા પી. એચ.સી.નો પૂરતો સહકાર મળી રહે છે.રસીકરણ અંગે પણ વિભાપર સરપંચશ્રીના જણાવ્યાનુસાર ૬૦ વર્ષથી વધુના લોકોનું ૬૦ ટકાથી વધુ રસીકરણ થયું છે અને હજી પણ વધુ રસીકરણ કરાવવા તેમજ હાલમાં યુવાનોને રસીકરણ અંગે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નખત્રાણા તાલુકાનું ખારડીયા, કોટડા(રોહા),ખીરસરા(નેત્રા),રોહા(સુમરી) તેમજ ઉલટ જેવા ગામડાઓ છે કે જ્યાં આસપાસની પી.એચ.સી. તેમજ આશાવર્કરના સહયોગ અને લોકોની જાગૃતિ અને સમજદારી ના પગલે ગામમાં કોરોનાને નો એન્ટ્રી છે.