માનો યા ન માનો, ૬ માસથી આઇપીએસ એસોસીએશન સેનાપતિ વગરનું છે!!

ગાંધીનગર : કોઇ પણ રાજયને ચલાવવા માટે બે મહત્વની કેડર હોય છે. જેમાં એક આઇએએસ અને બીજી આઇપીએસ જો કે અન્ય મહત્વની કેડર હોય છે પરંતુ તે પેટા કેડર જેવી ગણાય છે. મુખ્ય કામ અને સંચાલન ઉકત બે કેડરો દ્વારા જ થતી હોય છે. સરકાર કેવી છે? અને કઇ રીતે ચાલે છે? તેનું મુલ્યાંકન પણ એ બે કેડરો અને ખાસ કરીને પોલીસ તંત્ર કેવું છે? તેના આધારે થતું હોવાથી જુના યુગમાં રાજકારણીઓ આ બાબતને સારી રીતે સમજી આઇપીએસ કે જીપીએસ કેડરના નિષ્ઠાવાન અને હિંમતવાન અફસરો સાથે ગમે તેવા વૈચારીક ભેદ હોય પરંતુ એ કોરાણે રાખી જે તે સંવેદનશીલ જીલ્લો, શહેર કે રેન્જ સારી રીતે ચાલે તે માટે એવા સિધ્ધાંતનિષ્ઠ અફસરોને જ પોષ્ટીંગ આપતા. પરીણામે રાજય સરકાર માટે શિરદર્દ ઓછુ રહેતું અને લોકોમાં એક સારી છાપ ઉભી થતી.
જાણકારો અને અનુભવીના મતે છેલ્લા ઘણા વર્ષો થયા સરકારની કામગીરીના સીધા પ્રતિબીંબ પ્રજામાં પાડતી  આઇપીએસ (પોલીસ તંત્ર)ની કામગીરી પ્રત્યે આઇએએસના પ્રમાણમાં ભારોભાર ઉપેક્ષા સેવાઇ રહી છે અને આની સીધી અસર પોલીસ તંત્રમાં થવા સાથે લોકોની કામગીરીમાં થઇ રહયાના એક નહિ થોકબંધ દ્રષ્ટાંતો રોજેરોજ અખબારોમાં પ્રસિધ્ધ થયા કરે છે.
પોલીસ તંત્રમાં જોખમભરી કામગીરી હિંમતપુર્વક અને પડકાર ઝીલી કરનારા નાના-મોટા અફસરો કે સ્ટાફની ઇચ્છા ફકત એટલી જ હોય છે કે તેમના પ્રશ્નો પડતર ન રહે તેમને સમયસર બઢતી મળે અને તેમની કામગીરી આધારે તેમને પોષ્ટીંગ મળે આમા કોઇ રાજકીય હેતુથી નિર્ણય ન લેવાવા જોઇએ. રાજકારણીઓના સાચા અને અન્ય નાના-મોટા કામો કે જેમાં કોઇ નિર્દોષને નુકશાન ન થતું હોય તે કરવા આવા અફસરો તૈયાર જ હોય છે. પરંતુ આરોપીને ફરીયાદી અને ફરીયાદીને આરોપી બનાવવા જેવા કામો સિધ્ધાંતનિષ્ઠ અફસરો કે સ્ટાફો કરતા નથી એ હકિકત છે.
ઉચ્ચ અધિકારીઓ કે સ્ટાફની બદલી ભલે થાય તે સામે કોઇ વિરોધ ન હોઇ શકે. પરંતુ આ માટે વિવિધ તહેવારોના બંદોબસ્તના બહાના બતાવવાના બદલે યોગ્ય સમયે થવી જોઇએ જેથી આ અધિકારીઓ કે સ્ટાફ પોતાના સંતાનો માટે એડમીશન કોચીંગ કલાસો કે સારા વિસ્તારમાં મકાનો માટેની પ્રક્રિયા કરી શકે. આવી માંગણીઓ સંતોષાતી ન હોય ત્યારે આ તંત્ર પાસેથી નિષ્ઠાભરી કામગીરીની આશા રાખવી તે શકય છે ખરૂ?
ફરી મુળ વાત પર આવીએ તો આઇપીએસ અફસરની બઢતી-બદલીની ફાઇલો લાંબા સમય થયા કારણ વગર પેન્ડીંગ રાખવામાં આવી છે. બીજી તરફ આઇએએસ અફસરો કે રેવન્યુ અધિકારીની બઢતી-બદલીની ફાઇલો તાત્કાલીક નિકાલ કરી દેવામાં આવે છે. તો આ બાબતે શું સમજવું? તેવો સવાલ પોલીસ તંત્રમાં ઉઠી રહયો છે. નવાઇની વાત એ છે કે, આવા બધા પ્રશ્નોની રજુઆતો મુખ્યમંત્રી કે ગૃહખાતા સમક્ષ કરવા માટે આઇપીએસ એસોસીએશન સક્રિય હોવું જોઇએ. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ગત માર્ચ માસમાં ડીજી કક્ષાના એચ.પી.સિંઘ નિવૃત થયા બાદ આઇપીએસ એસોસીએશનનું પ્રમુખપદ આટલા લાંબા સમયથી ખાલી છે. સતાવાર વર્તુળો એવું કહે છે કે, સતત બંદોબસ્તને કારણે મીટીંગ બોલાવવાનો સમય મળ્યો જ નથી. હાલમાં આઇપીએસ એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ અને મહામંત્રી તરીકે રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જેવા સક્ષમ અધિકારીઓ સેવા આપે છે. આ બંન્ને સમયાંતરે મુખ્યમંત્રી કે ગૃહખાતા સમક્ષ રજુઆતો કરતા રહે છે. તે વાત પણ એટલી જ સાચી છે.