માનકૂવામાં શાળાનું દબાણ હટાવવા ગયેલી ટીમ પાછી ફરી

સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધિન હોવા છતાં તંત્ર થયું ઉતાવળુંઃ મોટાભાગની શાળાઓમાં દબાણ હોવા છતાં માત્ર એક જ દબાણ માટે ‘દબાણ’

ભુજ : તાલુકાના માનકુવામાં આવેલી પુરૂષાર્થ વિદ્યાલયમાં બાંધકામ કરવામાં શરતભંગ થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. આ સબબ શાળાના સંચાલકે હાઈકોર્ટમાં પણ અપીલ કરી છે. ત્યારે પ્રથમ ગત ૯મીએ સુનાવણી હાથ ધરાવાની હતી. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા સોગંધનામા સહિતાના અન્ય દસ્તાવેજી આધારો રજૂ ન કરી શકાતા આજે એટલે કે ૧૧મી જુલાઈએ સુનાવણી થવાની હતી. ત્યારે સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતા પણ બપોર બાદ પુરૂષાર્થ વિદ્યાલયમાં દબાણ હટાવવા માટેનું દબાણ થયું હતું. જેમાં માનકુવા ગ્રામ પંચાયતના મંત્રી, પોલીસ, જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો અને સ્ટાફ શાળા ખાતે દબાણ તોડવા માટે પહોચી ગયો હતો. જો કે સરપંચ તેમજ તલાટી સ્થળ પર હાજર થયા ન હતા. તેથી સાધનો સાથે આવેલી ગ્રામ પંચાયતની ટીમ, મંત્રી તેમજ પોલીસનો સ્ટાફ શાળા ખાતેથી
પરત નિકળી ગયો હતો.
આ અંગે શાળા સંચાલક સુરજગીરી ગોસ્વામીએ કહ્યું હતું કે, આજે કોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ તેમાં કોઈપણ હુકમ થાય તે પુર્વે જ સમગ્ર ટીમ અહીં દબાણ તોડવા માટે આવી પહોંચી હતી. પરંતુ કઈ પણ કહ્યા વિના થોડીવારમાં તમામ સ્ટાફ
પરત ફર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, માનકુવામાં અન્ય ૫ જેટલી શાળાઓમાં દબાણ થયું છે. આખે આખી શાળાઓ જ ગેરકાયદેસર રીતે સાર્વજનિક પ્લોટમાં કે રહેઠાણ માટે બિનખેતી થયેલા પ્લોટમાં ધમધમી રહી છે. ત્યારે તંત્રને માત્ર આ એક જ શાળા દેખાઈ રહી છે. તો પ્રાપ્ત વિગતો મુજબ કોર્ટમાં ચાલતા મામલમાં હાઈકોર્ટમાં ર૬-૭ની તારીખ પડી છે તેવું સુરજગિરિ ગોસ્વામીએ જણાવ્યું હતું.
આ અંગે માનકૂવા ગ્રામ પંચાયતના મંત્રી મયૂરભાઈને પુછતા તેમણે તારીખ પડી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.