માધાપરના સફાઈ કામદાર પર ૬ શખ્સોએ હુમલો કરી અપહરણ કરતા ફરિયાદ

ભુજ : તાલુકાના માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા યુવાન સહિત સાહેદો પર ભુજના ૬ શખ્સોએ હુમલો કરીને અપહરણ કરતા ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે રાયોટીંગ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો.
ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રોનક બાબુલાલ ગેહલોત (વાલ્મિકી)એ આરોપી દીપક મુકેશભાઈ રીલ, અજય ગોવિંદભાઈ ખોખર, કમલ રાજુભાઈ નકવાલ, વિનોદ વિક્રમ ચૌહાણ, બાબુલાલનો છોકરો દાદુ તેમજ પ્રવીણ ઉર્ફે સુંદરલાલ ગેહલોત (રહે. તમામ લોટ્‌સ કોલોની, વાલ્મિકીવાસ, ભુજ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ જીજે૧ર-બીટી-ર૯૭૦ નંબરની બોલેરો કેમ્પર તેમજ બાઈક પર આવીને ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદી તેમજ સાહેદોને ધકબુસટનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ સાહેદોનું બોલેરો ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા. મળેલી વિગતો મુજબ આરોપીઓ ભુંડ પકડીને ગાડીમાં લઈ જતા હતા તે બાબતે ફરિયાદી સહિતના સાહેદોએ બોલાચાલી કરી હતી. જેના મનદુઃખે આરોપીઓએ માર મારી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે ભુજ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો બનાવમાં સામા પક્ષ દ્વારા પ્રતિ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું સૂત્રો મારફતે જાણવા મળ્યું છે.