માતૃછાયા સ્કૂલનું ટ્યુશનિયા શિક્ષક મુદ્દે જાણે ‘મિચ્છામી દુક્કડમ્‌’ !

ટ્રસ્ટીએ પર્યુષણમાં વ્યસ્ત હોવાનું કહ્યું : શાળાના પ્રિન્સીપાલે પણ જવાબ આપવાનું ટાળ્યું

શાળાની ગ્રાન્ટ બંધ કરવા સહિતની કેમ ન થાય કાર્યવાહી ?
ભુજ : સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાના શિક્ષકો ખાનગીમાં ટ્યુશન કરાવી શકતા નથી. આ બાબતે શાળાની પણ જવાબદારી રહે છે. જો કે મોટા ભાગની શાળાઓ માત્ર એકાદ બાંહેધરી પત્ર લખાવીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. શિક્ષક લખી આપે કે તેમના દ્વારા કોઈ ખાનગી ટ્યુશન કરાવાતું નથી એટલે પત્યું, પરંતુ વાસ્તવમાં શાળાઓને પણ એટલી જ જવાબદાર ઠેરવી જોઈએ. કોઈપણ સરકારી શિક્ષક ખાનગીમાં ટ્યુશન કરાવતા ઝડપાય તો શાળા સામે પણ પગલાં લેવા અનિવાર્ય છે. જેમાં ખરેખર તો શાળાને મળતી સરકારી ગ્રાન્ટ જ બંધ કરી દેવી જોઈએ ત્યારે શિક્ષણતંત્ર જવાબદાર શિક્ષક સામે તો કડક કાર્યવાહી કરવા આગળ આવ્યું પણ શાળા સામે કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી રહી છે.

 

ટ્યુશન શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ : ડીઈઓ
ભુજ : માતૃછાયા શાળાના શિક્ષક હિમાંશુ બારોટ ગઈકાલે ફરી એકવાર ખાનગી ટ્યુશન કરાવતા ઝડપાયા હતા ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ પર નોંધાવી દેવાઈ છે. જેમાં તેમણે પોતાના બચાવ માટે પ૧ જેટલા છાત્રોને પણ ગોંધી રાખ્યા હતા ત્યારે આ અંગે શિક્ષણાધિકારી રાકેશ વ્યાસને પુછતા તેમણે કહ્યું હતું કે, પોલીસ દ્વારા પંચનામુ કરવા સહિતની દસ્તાવેજી કાર્યવાહી ચાલી રહી છે. તો અમારી કક્ષાએથી પણ દસ્તાવેજો તૈયાર કરીને આધાર પુરાવા સાથે શિક્ષકને સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત ઉચ્ચસ્તરે કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.

 

ભુજ : માતૃછાયા સ્કૂલના શિક્ષક ટ્યુશન કરાવતા સતત બીજી વખત તંત્રની ઝપટે ચડી ગયા છે, જેમાં આ વખતે તો હદ કરીને અન્ય પ૧ છાત્રોને પણ કલાસીસમાં ગોંધી રાખ્યા હતા ત્યારે તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ છે.
માતૃછાયાના ટ્યુશનિયા શિક્ષક વિરૂદ્ધ તંત્ર અને પોલીસની કાર્યવાહીનો દંડો પછાડવામાં આવતા શાળાના ટ્રસ્ટી અને આચાર્યા અવાક બની ગયા છે. સરકારી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો આ રીતે ખાનગીમાં ટ્યુશન કરાવી શકતા નથી, ત્યારે ટ્રસ્ટી મધુભાઈ સંઘવીનો સંપર્ક કરતા તેમણે પર્યુષણમાં વ્યસ્ત હોવાનું કહ્યું હતું. સ્વાભાવિક છે તેમનું મહાપર્વ છે ત્યારે તે ધ્યાન ન આપી શકે પરંતુ શાળા તરફથી શું પગલાં લેવાશે તેવું ટ્રસ્ટીને પુછતા તેમણે કહ્યું હતું કે, અમે હાલ તો મિચ્છામી દુકડમ કરવાની સ્થિતિમાં છીએ. શિક્ષણતંત્ર દ્વારા જે પગલાં લેવાશે તે યોગ્ય જ હશે. તો આ અંગે શાળાના આચાર્યા નિલાબેન વર્માએ નરોવા કુંજરોવાની નીતિ અપનાવી હતી. મને કાંઈ જ ખબર નથી. શિક્ષણતંત્રએ જાણ કરી ત્યારે ખ્યાલ આવ્યો તેવું કહ્યું હતું.
શાળાથી માત્ર પ૦૦ મીટરના અંતરે જ તેમની સ્કૂલના શિક્ષક ખાનગી ટ્યુશન કલાસીસ ચલાવતા હોય અને શાળાના જવાબદારો અંધારામાં રહી જાય એવું કઈ રીતે શક્ય બને. બેનને વધારે પ્રશ્નોતરી કરતા મૃદુ ભાષામાં ‘આ અંગે આપ મને વધારે પ્રશ્નો નહીં પુછો તો ગમશે’ તેવું જણાવી દીધું હતું. બનેને ગમે તેનાથી કાંઈ શિક્ષણ થોડીનું ચાલે ? ખરેખર તો શાળાને પણ આ અંગે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું શિક્ષણ વર્તુળો કહે છે. આ એક માત્ર શિક્ષક ઉપરાંત માતૃછાયાના અન્ય શિક્ષકો પણ ખાનગી ટ્યુશનના હાટડા ચલાવી રહ્યા છે ત્યારે શાળા હજુ પણ જાગૃત થઈને પોતાની રીતે કાર્યવાહી કરે તે જરૂરી છે.