માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય : કોવિડ કેર સેન્ટર માટે ર બિલ્ડિંગની ફાળવણી

૪૦ બેડની વ્યવસ્થા ઉભી કરાશે : તંત્રને લેખિતમાં કરાઈ જાણ : મંજૂરી મળ્યા બાદ વ્યવસ્થા કરાશે ઉભી : નિઃશુલ્ક અપાશે સારવાર : ડોકટર તેમજ સ્ટાફ માટે પણ રહેવા સહિતની સગવડો કરાશે ઉભી : માતાના મઢ જાગીર ટ્રસ્ટની પહેલને અનુસરી અન્ય ધાર્મિક ટ્રસ્ટો – સંસ્થાઓ – સમાજો પણ આવે તંત્રની વહારે

(બ્યુરો દ્વારા)ભુજ : ‘માં આશાપુરા સદાય સહાય તે’ કચ્છ ધણીયાણી આઈ આશાપુરાના માતાના મઢ સ્થાનકે ન માત્ર કચ્છ ગુજરાત પરંતુ દેશ દેશાવરમાંથી માઈ ભક્તો શીશ ઝુકાવતા હોય છે. આસ્થાળુઓની માનતા પણ મા પુરી કરી છે ત્યારે કોરોના મહામારીમાં આશાપુરા મા ના સાનિધ્યમાં દર્દીઓ સારવાર લઈ શકે તે માટે માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા કોવિડ કેર સેન્ટર માટે ર બિલ્ડિંગની ફાળવણી કરવામાં આવી છે.આ અંગે માતાનામઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરે જણાવ્યું કે, હાલે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર માટે બે બિલ્ડિંગો ફાળવવાનો નિર્ણય લેવાયો છે. તંત્રને આ અંગે લેખિતમાં જાણ કરાઈ છે. મંજૂરી મળ્યા બાદ તમામ વ્યવસ્થાઓ ઉભી કરાશે. ૪૦ દર્દીઓ માટે બેડ સહિતની સુવિધા ઉભી કરવાની સાથે ડોકટર તેમજ સ્ટાફ માટે રહેવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મહામારી ટાંકણે મેડિકલ ઈમરજન્સી સમાન સ્થિતિ સર્જાઈ છે ત્યારે માતાનામઢ જાગીર ટ્રસ્ટે આગળ આવી તંત્રને મદદરૂપ થવાની જે પહેલ કરી છે, તેને અનુસરી જિલ્લાના ટ્રસ્ટો, સંસ્થાઓ, સમાજો પણ આગળ આવે તે જરૂરી બન્યું છે.