માતાના મઢ જતા મોડાસાના પરિવારને દર્શન પણ નસીબ ન થયા

નખત્રાણા-લખપત હાઈવે પર ઈકો કાર ઉગેડી પાસે રોડ નીચે ઉતરી જઈ પલટી જતા મહિલાનું કરૂણ મોત : પથી ૬ લોકો ઘાયલ થતા સ્થાનિકો દ્વારા જી.કે. જનરલમાં ખસેડાયા

ભુજ : કચ્છ કુળદેવી દેશ દેવી મા આશાપુરાના સ્થાનકે દર વર્ષે લાખો માઈ ભક્તો શિશ ઝુકાવવા આવતા હોય છે. નવરાત્રિને આડે હવે માંડ મહિનો બાકી રહ્યો છે ત્યાં મુંબઈથી પદયાત્રીઓ કચ્છ આવવા રવાના થઈ ગયા છે તે વચ્ચે માઈ ભક્તો પોતાની પ્રાઈવેટ ગાડી લઈ દર્શનાર્થે આવવાનો પ્રવાહ શરૂ થઈ ગયો છે, પરંતુ મોડાસાથી માતાના મઢ આવતા પરિવારના નસીબમાં માના દર્શન લખ્યા ન હોય તેમ રસ્તામાં ગંભીર અકસ્માતની ઘટનામાં મહિલાનો સ્થળ પર મોત થઈ ગયું હતું તો પાંચથી ૬ લોકો ઘાયલ થતા તાબડતોબ સ્થાનિકો દ્વારા ૧૦૮માં જી.કે. જનરલમાં મોકલવામાં આવ્યા હતા.આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અરવલી જિલ્લાના મોડાસાથી પરિવાર ઈકો કારમાં માતાના મઢ આવતો હતો ત્યારે આજે સવારે નખત્રાણા-લખપત હાઈવે પર ઉગેડી પાસે અકસ્માતની ઘટના બની હતી. પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે, સામેથી ટ્રેક્ટર આવતું હતું અને ઈકો ગાડી સ્પીડમાં હતી. જેથી રોડ સાઈટમાં ઈકો ઉતારવામાં આવી હતી, પરંતુ નીચે મોટો ખાડો હોવાથી ઈકો ખાડામાં ગડથોલિયા મારીને પલટી ખાઈ ગઈ હતી. જેને પગલે ઈકોમાં ડ્રાઈવર સાઈડ સહિત ચારેય બાજુ નુકશાન થયું હતું. પ્રવાસીઓનો સામાન પણ વેરવીખેર થઈ ગયું હતું. એકાએક ઈકો રોડ પરથી નીચે પલટી જતા તેમાં સવાર હંસાબેન નામના મહિલાનું માથામાં ગંભીર ઈજાઓથી મોત આંબી ગયું હતું. ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા તાબડતોબ સ્થળ પર દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે નખત્રાણા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો ઈકોમાં સવાર પાંચથી ૬ લોકોને તાત્કાલિક ૧૦૮માં ભુજ જી.કે.જનરલમાં ખસેડવામાં આવ્યા હતા. નખત્રાણા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. જેના જણાવ્યા પ્રમાણે હતભાગી અને ઈજાગ્રસ્ત પરિવાર મોડાસાનો હતો અને માતાના મઢ દર્શન કરવા જતો હતો. હાલ તો પરિવારનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે.