માતાનામઢ મંદિરના ગેટ પાસેનું દબાણ તાકિદે ખસેડો

માતાના મઢ : તિર્થધામ માતાના મઢ મંદિર પાસે રસ્તા પર કિંમતી જમીન પર દબાણ કરીને કોમર્શિયલ ઉપયોગ માટે દબાણ થઈ રહ્યું છે. તે તાકિદે દુર કરવા ઉપસરપંચ માતાના મઢ તથા ગ્રા.પં. સદસ્ય શહેનાઝબેન અનવર નોતીયાર તથા ગ્રામજનો, ટી.ડી.ઓ. તથા મામલતદારને લેખિત રજુઆત કરી તાકિદે દબાણ દુર કરવા ઉગ્ર માંગ કરી છે. ઉપસરપંચ કાનજીભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યના જણાવ્યાનુસાર ચાર નંબરના ગેટ પાસે દબાણ ગ્રામ પંચાયતની મિલીભગતથી થઈ રહ્યું છે.
આ પવિત્ર યાત્રાધામે અસંખ્ય શ્રધ્ધાળુઓ શીશ ટેકાવવા આવે છે અને વાહન પણ સાથે હોય છે, પ્રવાસીને અડચણરૂપ આવા રસ્તા પર છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર દબાણની પ્રવૃતિએ માઝા મુકી છે. માતાના મઢમાં અનેક કિંમતી જમીન પર લોકોને ઠીક લાગે ત્યાં દબાણ થઈ રહ્યા છે. આ દબાણ દુર કરવા વહીવટી તંત્રને વારંવાર રજુઆત કર્યા છતાં તંત્ર કોની લાજનો ઘુંઘટો કાઢે છે ? તિર્થધામ માતાના મઢના ટ્રાફિકને અડચણરૂપ દબાણો તાકિદે દુર કરવા વહીવટી તંત્ર પગલા નહિ ભરે તોના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચિમકી પણ અપાઈ છે.