માતાનામઢ નવરાત્રીનો નિર્ણય ન લેવાતા વેપારી-શ્રદ્ધાળુ અવઢવમાં ! : વહીવટી તંત્ર તાકિદે નિર્ણય લે તે જરૂરી

નખત્રાણા : કચ્છની કુળદેવી આદ્યશક્તિ આઈ આશાપુરા મા.મઢ ખાતે નવરાત્રી મહોત્સવની સરકારે કોઈ નિર્ણય જાહેર ન કરતા વેપારી અને શ્રદ્ધાળુ વર્ગમા કચવાટ ફેલાયો છે. ગઈકાલે કેબિનેટની બેઠકમાં સરકારે ગણેશોત્સવ અને નવરાત્રીના કાર્યક્રમો યોજવા માટે ૪૦૦ લોકોની ઉપસ્થિતિમાં યોજવાનો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે આ વખતે મા.મઢ ખાતે નવરાત્રી ઉત્સવ રંગેચંગે કોરોના ગાઈડલાઈન પ્રમાણે યોજાશે કે નહી તે વહીવટી તંત્રના નિર્ણયની કાગડોળે રાહ જોવાઈ રહી છે.આ બાબતે ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે, ટ્રસ્ટ દ્વારા નવરાત્રીની માનસિક તૈયારી રૂપે વ્યવસ્થા ગોઠવાઈ છે. ભાદરવી પૂનમના અંબાજી મંદિરે નવરાત્રી મેળો યોજાય છે કે નહી તેના પર મા.મઢ નવરાત્રીનું આયોજન થશે. ટ્રસ્ટ સરકારના નિર્ણય કોરોના ગાઈડલાઈનની રાહ જોઈ રહી છે.તો સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાને પૂછતા તેમણે કર્યું કે, નવરાત્રી મહોત્સવ ચાલુ કે બંધની વહીવટી તંત્ર ૧પ દિવસ અગાઉ જાણ કરે તો પંચાયત આગોતરા પગલા લઈ શકે. નવરાત્રી માટે બહારગામના વેપારી-શ્રદ્ધાળુના સતત ફોન આવે છે કે નવરાત્રી થશે કે નહીં. બીજું પંચાયતની આવકના સ્ત્રોત માત્ર નવરાત્રીના સ્ટોલ પર નિર્ભર છે. પંચાયતની અન્ય કોઈ આવક નથી તેવો સુર તેમને વ્યકત કર્યો હતો. વેપારી મંડળના પ્રમુખ અરવિંદ શાહે કર્યું કે, વેપારી વર્ગને ૧ માસ પહેલા જાણ થાય તો તેવો માલ ખરીદી શકે, ભરાવો કરી શકે. કોરોના કાળમાં વેપારી પાસે ચીજવસ્તુ, મંદિરને લગતી સામગ્રી જુજ પ્રમાણમાં છે. જો સરકાર તાકિદે નવરાત્રી મહોત્સવનો હા કે ના નો પરિપત્ર જાહેર કરે તો વેપારી વર્ગ પહોંચી વળે તેવી વાત તેમને રજૂ કરી હતી. અલબત વહીવટી તંત્ર દ્વારા જાગીર શાખા ટ્રસ્ટ અને પ્રાંત અધિકારી તથા પંચાયતની નવરાત્રી અગાઉ બેઠક યોજવામાં આવે છે તે ટુંક સમયમાં યોજાશે અને તેમાં નિર્ણય લેવાય તેવી વકી છે. રાજ્યમાં ગણેશ સ્થાપના-મહોત્સવ અને નવરાત્રી-રાસ અને વહીવટી કોરાના ગાઈડલાઈન પ્રમાણે મંજુરી મળી છે ત્યારે જયાં લાખો લોકો માના ચરણે શીશ ઝુંકાવે છે તે આશાપુરાજી મંદિરે મેળો યોજાશે કે માત્ર દર્શન કરી શકશે. કયા પ્રકારની વહીવટી તંત્ર ગાઈડલાઈન બહાર પાડે છે તેના પર વેપારી વર્ગ – શ્રદ્ધાળુઓની મીટ મંડાઈ છે. વહીવટી તંત્ર પણ તાકિદે નિર્ણય લે તેવી ઈચ્છા શ્રદ્ધાળુ-વેપારી રાખી રહ્યા છે.

સાતમ – આઠમના પ૦ હજાર શ્રદ્ધાળુ મા.મઢે શીશ નમાવ્યું
નખત્રાણા : શ્રાવણી તહેવાર સાતમ-આઠમના મા.મઢે હજારો ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આ બંને દિવસે પ૦ હજાર ભાવિકો હતા. તમામ યાત્ર ભવન હાઈસ્કૂલ હતા તો નવરાત્રીમાં મંજુરી મળે તો લાખો લોકો ઉમટી પડે તેવી શકયતા છે. બીજી તરફ ના.સરોવર ખાતે શરૂ થતી રમેશભાઈ ઓઝાની કથા દરમ્યાન પણ આ તીર્થ ધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે તેમ છે. મા.મઢે શીશ ઝુકાવવા છેક દુનિયાભરમાંથી શ્રદ્ધાળુ આવે છે. ત્યારે આ તીર્થધામ ખાતે જમવા-રહેવાની સુવિધા છે.

૬ ઓક્ટોબર માતાનામઢમાં ઘટસ્થાપન

• ઘટ સ્થાપન : આસો વદ અમાસ તા. ૬-૧૦-ર૦ર૧, બુધવાર, રાત્રે ૯ઃ૩૦ કલાકે
• નવરાત્રી પ્રારંભ : આસો સુદ એકમ, તા. ૭-૧૦-ર૦ર૧, ગુરૂવારથી શરૂ
• જગદંબા પૂજન : આસો સુદ સપ્તમી, તા. ૧ર-૧૦-ર૦ર૧, મંગળવાર, રાત્રે ૯ઃ૩પ કલાકે
• હવન પ્રારંભ : આસો સુદ સપ્તમી, તા. ૧ર-૧૦-ર૦ર૧, મંગળવાર, રાત્રે ૧૦ કલાકે
• હવન પૂર્ણાહુતિ : આસો સુદ સપ્તમી, તા. ૧ર-૧૦-ર૦ર૧, મંગળવાર, રાત્રે ૧ઃ૩૦ કલાકે

નખત્રાણા-મા.મઢ, નલિયા-મા.મઢ રસ્તો ઉખડ-બાખડ મંજુર થયો છે તો કામમાં ઝડપ લાવો

નખત્રાણા : નખત્રાણા-મા.મઢનો રસ્તો ૪પ કિ.મી.નો મંજુર થયો છે. કામ પણ કયાંક ધીમી ગતિએ ચાલે છે અથવા બંધ છે. આ ઉખડ-બાખડ માર્ગ પર ઠેર-ઠેર ખાડા છે અને વાહન ચાલકો, પદયાત્રીને ચાલવા માટે મુશ્કેલી થાય છે. ત્યારે નવરાત્રી પહેલા આ માર્ગ નવા વાઘા સર્જે તેવી માંગ ઉઠી છે. તો નલિયાથી કોટડા-મઢ, જંગડિયા, મા.મઢનો રસ્તો સંપૂર્ણ ધોવાણ થયો છે. આ રસ્તાનું કામ પણ તાકિદે કરાય તો પદયાત્રી માટે આશીર્વાદ રૂપ છે. આ બંને રસ્તા પર ગાંડા બાવડના ઝુંડે સામ્રાજ્ય જમાવ્યું છે. આ સમસ્યા પણ દુર થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.