માતાનામઢ નજીક આવેલ ગજાનંદ ટેકરીના મહંત પર કરાયો હુમલો

રવાપરના બે શખ્સો વિરૂદ્ધ દયાપર પોલીસ મથકે નોંધાયો ગુનો

દયાપર : લખપતના માતાનામઢ નજીક આવેલી ગજાનંદ ટેકરીના મહંત પર રવાપરના બે શખ્સોએ હુમલો કર્યો હતો. ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા દયાપર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે બન્ને આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રવાપરથી માતાનામઢ જતા માર્ગ પર આવેલી ગજાનંદ ટેકરીના પાણીના ટાંકા પાસે ઉદયનાગબાપુના ધુણાની મઢુલીના મહંત ખડેશ્વરી યોગી દિલીપનાથબાપુ ગુરૂપ્રતાપનાથબાપુ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. બનાવને પગલે મહંતે દયાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી અનવર હસન ભજીર અને સલીમ હાસમ ભજીર (રહે. બન્ને રવાપર, તા.નખત્રાણા) એ ગત બપોરના અરસામાં દિવાલ ઠેકીને અંદર આવ્યા હતા અને મહંત સાથે ગાળાગાળી કરી ગળુ પકડીને ધકબુશટનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા દયાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેને પગલે બન્ને આરોપીઓની પોલીસે અટક કરી હતી. ઉલ્લેખનીય છે કે, મોટી વિરાણીના મહંત પર થયેલા હુમલા બાદ માતાનામઢ નજીક મઢુલીના મહંત પર હુમલાની ઘટનાનો આ બીજો બનાવ છે. ત્યારે પોલીસ દ્વારા આવા આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી લોકમાંગ ઉઠી છે.