માતાનામઢ જાગીર ટ્રસ્ટ કોવિડ કેર સેન્ટરમાં ૫૪માંથી ૫૦ દર્દીઓ બન્યા સ્વસ્થ

મા આશાપુરાના સાનિધ્યમાં કોરોનાના દર્દીઓની સેવા અને સારવાર કરતું માતાનામઢ જાગીર ટ્રસ્ટ

દયાપર : દવાની સાથે જ્યારે દુઆ કે ભક્તિનું ભાથું ભળે ને ત્યારે મોટામાં મોટી બીમારીને મ્હાત આપવું શક્ય બને છે તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત બન્યું છે કચ્છનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ કે જ્યાં એક માસથી પણ ઓછા સમયમાં દાખલ થયેલા ૫૪ દર્દીઓમાંથી ૫૦ દર્દીઓએ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કોરોના મહામારીને નાથવા કચ્છના વહીવટીતંત્ર અને અહીંની સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓએ જે સંકલન સાધીને કામગીરી કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. કચ્છ પર અચાનક કોરોના મહામારીનો ખતરો ઉભો થયો ત્યારે વહીવટીતંત્ર સાથે અહીંની સંસ્થાઓ પણ અડીખમ ઊભી રહી અને આ બંનેના અથાગ પ્રયત્નો થકી આજે કચ્છમાં પરિસ્થિતિમાં ઘણો સુધારો આવી રહ્યો છે.જે અન્વયે માતાના મઢ જાગીર ટ્રસ્ટ પણ આગળ આવ્યું અને ૧૦ ઓક્સિજન બેડ સહિતની ૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કર્યું. કોરોના કેસમાં સતત વધારો થતાં માતાનામઢ તેમજ આસપાસના લોકોને સ્થાનિક જ કોરોનાની સારવાર મળી રહે તેવા આશયથી તત્કાલિક માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું જેને હજી મહિનો પણ પૂરો નથી થયો ત્યાં કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયેલા ૫૪ દર્દીઓમાંથી ૫૦ દર્દીઓ સ્વસ્થ થઇ હેમખેમ પોતાના સ્વજનો પાસે પરત ફર્યા છે. જ્યારે બાકીના ૪ દર્દીઓની સ્થિતિ પણ સ્થિર અને ખૂબ સારી છે. આ કોવિડ કેર સેન્ટરનું સંપૂર્ણ સંચાલન માતાનામઢ જાગીર ટ્રસ્ટ વતી યોગેશ પ્રજાપતિ અને હરેશ સોલંકી દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર્દીઓ માટે ઓક્સિજન,દવાઓ તેમજ અન્ય તમામ સુવિધાઓ માટેનો તમામ ખર્ચ પણ જાગીર ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે. અહીં દર્દીઓને કોઈ પણ અગવડ ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.સાબુ ટૂવાલ વગેરે જેવી રોજિંદી જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પણ ટ્રસ્ટ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે.ઉપરાંત દર્દીઓને બે ટાઈમ સાત્વિક આહાર,સવારે ચા-દૂધ અને નાસ્તો તથા દિવસ દરમિયાન લીંબુ પાણી પણ આપવામાં આવે છે. આ કોવિડ કેર સેન્ટર ખાતે ૧ ડોક્ટર ૨ નર્સ તેમજ વૉર્ડબોય હંમેશા દર્દીઓની સારવારમાં હાજર છે. ઉપરાંત જાગીર ટ્રસ્ટના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો પણ દર્દીઓની સેવામાં માટે તત્પર રહે છે. રાજાબાવા પણ અવારનવાર દર્દીઓના હાલ-ચાલ જાણવા મુલાકાત લેતા રહે છે. અહીંની સારવાર અને સેવા અંગે અહીંથી સાજા થયેલા દર્દીઓ પ્રતિભાવ આપતા જણાવે છે કે, અહીંની સેવા એટલી સારી છે કે લાગે કે આપણે ઘરે જ છીએ તેમાંય મા આશાપુરાના સાનિધ્યમાં છીએ પછી ચિંતા શેની ! માતાના મઢ જાગીર ટ્રસ્ટના મહંત યોગેન્દ્રસિંહ રાજાબાવા જણાવે છે કે, અહીંનો સ્ટાફ દર્દીઓને કોઈ પણ અગવડ ન પડે તેની પૂરતી કાળજી રાખે છે. જે ૫૦ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે ફર્યા છે તેઓ મા આશાપુરાના આશીર્વાદથી હંમેશા નીરોગી રહે તથા જે ૪ દર્દીઓ સારવાર હેઠળ છે તેઓ પણ માના સાનિધ્યમાં ઝડપથી હેમખેમ થઇ જાય એવી માંને પ્રાર્થના છે. આ મહામારીના સમયમાં માતાના મઢ જાગીર ટ્રસ્ટ સરકાર સાથે ખભે-ખભા મિલાવી કામ કરવા હંમેશા તૈયાર છે તેવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.