માતાનામઢે મહારાણી પ્રીતીદેવીએ ઝીલ્યો પતરીનો પ્રસાદ

જય ભવાની…જય અંબેના નાદથી ચાચર ચોક ગાજી ઉઠ્યો : સાતમના હવનમાં બીડું હોમાયું આ સાથે નવરાત્રી સંપન્ન : નારીશક્તિના ઐતિહાસિક ક્ષણના હજારો માઈભક્તો સાક્ષી બન્યા : લાંબા સમયનો પતરી ઈન્તજાર સારા શુકનવંતા સંકેત આપ્યા : મહારાણી પ્રીતીદેવી રાજાબાવાના આશીર્વાદ લીધા : રાજાબાવાએ શુભેચ્છા મુલાકાત લઈ બંધ થયેલી પરંપરા પુનઃશરૂ થઈ

પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ૩ ઠાકોર અને ભાયતો – ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

નખત્રાણા : શક્તિ ઉપાસનાનું ધામ માતાનામઢે એક નવા ઈતિહાસ સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન થયો હતો. આજે સવારે ખટલા ભવાની – ચાચર કુંડ ખાતેથી જય ભવાની.. જય અંબેના નાદ સાથે ચામર યાત્રા નિકળી હતી. જય માતાજી જય આશાપુરાજીના ગગનભેદી નારા વચ્ચે નીકળેલી યાત્રામાં અબીલ – ગુલાલની છોળો, ઢોલ-શરણાઈ, ડાક-ડમરૂના સંગીત સુરો વચ્ચે હજારો માઈભક્તો, ભાયાતો, સંતો-મહંતો, રાજાબાવા, રાજકિય, ધાર્મિક, સામાજિક ક્ષેત્રના મહાનુભાવો સાથે નીકળેલી ચામર સવારી આશાપુરા મંદિરે આવી પહોંચતા ત્યાં મહારાણી પ્રીતીદેવીએ પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો. તે ઐતિહાસિક નારી શક્તિના ગૌરવને વધાવતી ઘટનાના હજારો માઈભક્તો સાક્ષી બન્યા હતા. થોડા લાંબા ઈન્તજાર બાદ પતરીના પ્રસાદએ શુકનવંતા સંકેત આપ્યા હતા. કચ્છડા પર માતાજીની લીલા લહેર રહેશે તેવા સંકેતથી માઈભક્તો ઝુમી ઉઠ્યા હતા. અને અશ્વભીની આંખે માતાજીને વંદના કરી ગદગદીત થયા હતા.

આજના ઐતિહાસિક અવસરે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચૂડાસમા, ધારાસભ્ય પી.એમ. જાડેજા, ઠાકોર કુતાર્થસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, રાજાબાવા યોગેન્દ્રસિંહજી, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, ના.સરોવર જાગીર મહંત સોનલ લાલજી મહારાજ, કોટેશ્વર જાગીરના દિનેશગીરી બાપુ, જાેરૂભા રાઠોડ, સાવજસિંહ જાડેજા, ચેતનાબા જાડેજા, યોગેન્દ્રસિંહજી, પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, સામંતસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આઠ વર્ષથી બંધ પડેલી એક પરંપરા શરૂ થઈ હતી. જેમાં મહારાણી પ્રીતીદેવીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના નિવાસસ્થાને જઈ આશીર્વાદ મેળવ્યા હતા. રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ પ્રીતીદેવીની સભાખંડે જઈને શુભેચ્છા મુલાકાત લીધી હતી. તે પૂર્વે સાતમના મોડી રાત્રે આદ્યશક્તિના જય ઘોષ સાથે રાજાબાવાના હસ્તે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ૯ઃ૩૦ વાગ્યે જગદંબા પૂજન બાદ શરૂ થયેલા હોમ-હવનમાં રાત્રે ૧ર.૩૦ કલાકે જાગીર અધ્યક્ષના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે પણ ભાવિકો જય માતાજીના નાદથી પરિસર ગાજી ઉઠ્યો હતો. બાદમાં હિંગલાજ મંદિરે આરતી

ઉતારી હતી.

આજે પતરીવિધિ – ચામર યાત્રા સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન થયો હતો. ગ્રા.પં., જાગીર ટ્રસ્ટ, વહીવટી તંત્ર તરફથી સુંદર વ્યવસ્થા થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મહાપ્રસાદનો હજારો ભાવિકો લાભ લીધો હતો. પૂજાવિધિ મુળશંકર જાેષી, દેવકૃષ્ણ વાસુએ કરાવી હતી. વિનોદ સોલંકી, મયુરસિંહ જાડેજા, પૂજારી ગજુભા ચૌહાણ, દિલુભા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. એસ.ટી તંત્ર સહિત તમામનો આભાર માનવામાં આવ્યો હતો.

શું..છે માતાનામઢે ચામર અને પતરી વિધિનો મહિમા !

નખત્રાણા ઃ માતાનામઢ ખાતે આઠમમાં યોજાતી ચામર અને પતરીવિધિનો શું છે મહિમા -ઈતિહાસ તેના પર ડોકિયું કરીએ તો કચ્છ મહારાવ પ્રાગમલજીત્રીજા અથવા તેમના જાડેજા પરિવાર – પ્રતિનિધિ હવનપૂર્ણ થયા બાદ આઠમ નોરતે ચામર કુંડમાં સ્નાન કરે છે અને સ્નાન બાદ ચામર ભવાની અને ગણેશની વિશેષ પૂજા કરે છે. પૂજા બાદ ચામર લઈ અને પગપાળા વાજતે – ગાજતે નીજ મંદિરમાં પ્રવેશ કરે છે. તેઓ સોનાલ ચામરથી માની પૂજાવિધિ કરે છે. ત્યારબાદ પૂજારી માના જમણા ખભા ઉપર પતરી મુકે છે અને આ પતરી નામની વનસ્પતી માતાજીના ફૂલ માનવામાં આવે છે.  આ વનસ્પતી ૧ર મહિનામાં માત્ર એક જ વાર માતાનામઢની સીમમાં થાય છે. પતરી માતાના ખંભે મુક્યા બાદ મંદિરના પૂજારી ઝાઝર, પખવાઝ, ડાકલા વગાડવાની આજ્ઞા આપે છે અને કચ્છ મહારાવ પ્રાગમલજીત્રીજા અથવા તેમના નીમેલા પ્રતિનિધિ જમણા પગે ઉભા રહી અને પતરી ઝીલે છે. માતાજી રાઝી હોય તો તત્કાલ પતરી મળી જાય છે અથવા ૧૦થી ૧પ મીનીટનો સમય લાગે છે અને પતરી પહેલા માના ખંભા પરથી રથી ૩ ઈંચ ઉપર જાય છે અને ત્યારબાદ કચ્છ મહારાવ પતરી ધારણ કરે છે. અહીં રાજવી પરિવાર અથવા તેમને નીમેલા તેમના પ્રતિનિધિ સિવાય કોઈ પતરી ઝીલી શકતું નથી. તેવી શ્રદ્ધા – આસ્થા આજે પણ અકબંધ છે. ત્યારબાદ પતરી ઝીલતા પ્રાગમલજીત્રીજા અથવા તેમના પ્રતિનિધિ જાગીર અધ્યક્ષના નિવાસસ્થાને મુલાકાત લેવા જાય છે અને ત્યારબાદ જાગીરના અધ્યક્ષ કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજાના નિવાસ્થાને મુલાકાત લે છે. તે પૂર્વે છેલ્લા લગભગ સાડા ચારસો વર્ષ કરતા પણ વધારે સમયથી ભુજથી માતાનામઢ સુધી પરંપરાગત ચામર યાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રીમાં મા.મઢ ખાતે ચામર અને પતરીવિધિનો ઈતિહાસ અને મહિમા આજે મહારાણી પ્રીતીદેવી પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો.