માતાનામઢના તબીબની બદલી નહીં થાય તો ગ્રામ લોકો દ્વારા ચુંટણીનો થશે બહિષ્કાર

માતાનામઢ : તીર્થધામ માતાના મઢ પી.એચ.સી. ના તબિબ સામે ગ્રામ લોકોનો આક્રોશ યથાવત રહ્યો છે. ગામના સરપંચ હમીદાબેન કાસમભાઈ કુંભારના જણાવ્યા મુજબ ગામના પી.એચ.સી. ના તબિબની બદલી અંગે છેલ્લા બે માસથી કલેકટરશ્રી, આરોગ્યમંત્રીને રજુઆત કરવા છતાં તબીબની બદલી થતી નથી, જા હવે તાકિદે બદલી નહિ થાય તો ગ્રામ લોકો દ્વારા આવનારી વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાનો કઠોર નિર્ણય લેવો પડશે તેવી ચીમકી અપાઈ છે. ૧૯ ગામડાઓ સાથે સંકળાયેલ માતાના મઢ પી.એચ.સી. ના તબીબના તોછડાઈભર્યા વર્તનથી મહિલાઓ સહિત દર્દીઓ ત્રસ્ત બન્યા છે. છેલ્લા એક માસથી આશાવર્કરોની કામગીરી તબિબના લીધે ઠપ્પ બની છે. રસીકરણ જેવી કામગીરી થતી નથી. સગર્ભા મહિલા પણ સરકારી યોજનાઓનો લાભ લઈ શકતી નથી. તબીબના મનસ્વી વર્તણુક સામે પગલા લેવા અને તાકીદે તબિબની બદલી કરવા વહીવટી તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં આરોગ્ય તંત્ર તબીબ સામે પગલા લેવામાં લાજનો ઘુંઘટ તાણે છે. આ તબીબની બદલી તાકિદે કરવામાં હવે તંત્ર ઢચુપચુ વલણ અપનાવે છે. ત્યારે ગ્રામલોકોએ ના છુટકે વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવો પડે છે તેવું સરપંચ હમીદાબેન કાસમ કુંભારે જણાવ્યું હતું.