માણસા-વિજાપુર રોડ પરથી ગાંધીનગર એલસીબીએ બાઈક ચોરને ઝડપી લીધો

(જી.એન.એસ.)ગાંધીનગર,મહેસાણા જિલ્લાના કડી પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલા બાઈક સંદર્ભે ગાંધીનગર એલસીબી દ્વારા માણસા વિજાપુર ત્રણ રસ્તા પાસેથી ૨૫ વર્ષીય બાઇક ચોરને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરીના બનાવો પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક હાથે કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જેના પગલે એલસીબીના પીએસઆઇ ડી.એસ.રાઓલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનુપસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે માણસા વિજાપુર ત્રણ રસ્તા પરથી બાઇક લઇને પસાર થતા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.આ અંગે એલસીબીના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહેસાણાના કડી તાલુકાના નાની કડી રબારી વાસમાં રહેતા ૨૫ વર્ષીય કીર્તિ ઠાકોરને ચોરીના બાઈક સાથે ઉપરોક્ત ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેની કડકાઈથી પૂછતાછ કરતા તેણે બે દિવસ અગાઉ રાત્રિના સમયે કડી એસ.વી સ્કૂલ નજીકમાં આવેલ બાલાજી રેસીડેન્સીના એક મકાન આગળથી બાઈક ચોરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે એન્જિન અને ચેસીસ નંબરના આધારે પોકેટ કોપ સોફ્ટવેરથી વધુ તપાસ કરતા ઉપરોક્ત બાઇકની ચોરી અંગે મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું વધુમાં જાણવા મળ્યું હતું. જેના પગલે બાઇકની કિંમત ૨૦ હજાર આંકીને મૂળ અમદાવાદના દેત્રોજ ગેલડા ગામના કીર્તિ ઠાકોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.