માઠા સમાચાર… ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી

સિંગાપોરઃ વર્તમાન વર્ષના ઉત્તરાર્ધમાં અલ-નિનોની વેધર પેટર્ન રચાવાની શક્યતા હોવાથી ભારતનું ચોમાસું આ વર્ષે સામાન્યથી સહેજ ઓછું રહેવાની સંભાવના અમેરિકાસ્થિત વાતાવરણનો વરતારો કરતી ખાનગી ક્ષેત્રની એક કંપનીએ કરી છે. ગયા વર્ષની વરસાદની મોસમ (ર૦૧૭) ભારતમાં સરેરાશ કરતાં નીચી રહી હતી અને ઉત્તર તેમ જ મધ્ય ભારતનાં કૃષિલક્ષી રાજ્યોમાં જરૂરિયાતથી ઓછો વરસાદ નોંધાયો હતો. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચાલતી વરસાદની મોસમ દરમિયાન ર૦૧૭માં લાંબા ગાળાની સરેરાશના ૯પ ટકા જ વરસાદ થયો હતો. ભારતીય વેધશાળાએ ર૦૧૭મા લાંબી સરેરાશના ૯૮ ટકા પાણી વરસશે, એવી આગાહી ર૦૧૭ માટે કરી હતી. અગાઉની એમડીએ અર્થસેટ અને હાલની રેડિયન્ટ સોલ્યુશન્સના સિનિયર એગ્રિકલ્ચરલ મિટિયોરોલોજીસ્ટ કિલ ટેપ્લીએ જણાવ્યું હતું કે, ‘ચાલુ વર્ષે ભારતમાં સામાન્યપણે જોવા મળે છે તેનાથી નબળું ચોમાસું જોવા મળવાની શક્યતા છે અને તે સોયાબીન, મગફળી અને કપાસના પાકને અસર કરે એવી સંભાવના છે.