માંડવી વિધાનસભા બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો

0
96

ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છની છ વિધાનસભા બેઠકો માટે હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા : પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં માંડવી બેઠક માટે ૩પ જેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

ભુજ : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે ભુજમાં હોટેલ પ્રિન્સ રેસિડેંસી ખાતે પ્રદેશ કક્ષાએ થી આવેલા નિરીક્ષકોની હાજરીમાં કચ્છની છ વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રકિયા શુરુ થઇ હતી.
કચ્છની છ બેઠકો માટે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષભાઇ પટેલ અને મહેસાણા સાંસદ શારદાબેન પટેલને હાઈ કમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોપાઈ છે. ગઈકાલે રાતે ભુજ આવી પહોંચેલા પ્રદેશ નિરીક્ષકો દ્વારા આજે સવારે સેન્સ લેવાની શરૂઆત થઇ હતી.
સૌ પ્રથમ માંડવી બેઠક માટે સેન્સ લેવાયા હતા. સવારે ૧૧ વાગ્યાના અરસામાં પ્રક્રિયા શરૂ થઇ હતી. નિરીક્ષકો પ્રથમ મુંદરા શહેર અને તાલુકા ના સંગઠનના હોદ્દેદારોને મળ્યા હતા. ત્યારબાદ માંડવી શહેર અને તાલુકાના સંગઠન હોદ્દેદારોને મળ્યા હતા. સંગઠન બેઠકમાં હોદેદારોના મંતવ્ય જાણ્યા બાદ પ્રદેશ હોદ્દેદારો વ્યક્તિગત દાવેદારો અને મુન્દ્રા અને માંડવી વિસ્તારના વિવિધ સમાજાેના હોદેદારો અને પ્રતિનિધિઓને મળ્યા હતા. મુન્દ્રા અને માંડવી વિસ્તારના ગઢવી, પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ વગેરે સમાજના આગેવાનો એ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાના સમાજના પ્રતિનિધિ ને ટિકિટ ફાળવવા માંગ કરી હતી.
માંડવી વિધાનસભા બેઠક માટે ટિકિટના દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત અનેક દાવેદારોએ દાવો નોંધાવ્યો હતો. જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂદ્ધ દવે, અમુલભાઈ દેઢિયા, જીગરભાઈ છેડા, રસીકબા ગઢવી, ચેતન ભાનુશાલી, જાડેજા રણજીતસિંહ, બટુકસિંહ જાડેજા, દિવ્યાબા જાડેજા, હરદેવસિંહ જાડેજા, રેખાબેન રાબડીયા, કેશુભાઈ પારસીયા, છાયાબેન ગઢવી, એડવોકેટ મગન ગઢવી, મોમાયાભા ગઢવી, રણજીતસિંહ જાડેજા, મહેન્દ્ર રામાણી, શારદાબેન રાબડીયા, વૈશાલી ગોર, મહેન્દ્ર ગઢવી, પાલુભાઈ ગઢવી વગેરે ઉપરાંત અંદાજે ૩૫ જેટલાં દાવેદારોએ ટિકિટ ફાળવવા માંગ કરી હતી. દાવેદારોએ પોતાના દાવેદારી માટેના ફોર્મ ભરી રજૂ કર્યા છે ત્યારે માંડવી બેઠક પર વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને ફરી તક મળશે કે કોઈ અન્ય ઉમેદવારને ભાજપ ટિકિટ ફાળવશે તેના પર મિટ મંડાઈ છે.