માંડવી-મુન્દ્રા બેઠક માટે ભાજપના છાયાબેન ગઢવીનું નામ મોખરે

પક્ષ દ્વારા ચૂંટણીમાં એક બેઠક મહિલાને  ફાળવવાની વાત છે ત્યારે બહાર આવતી સૂચક વિગતો : છાયાબેન ગઢવી ભાજપના કદાવર મહિલા નેતા તરીકે ગણનાપાત્ર છે

મુન્દ્રા : વિધાનસભા ચૂંટણીને અનુસંધાને સતાધારી ભાજપ પક્ષ દ્વારા એકાદ સપ્તાહમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે ત્યારે માંડવી-મુન્દ્રા બેઠક માટે ભાજપના મહિલા અગ્રણી છાયાબેન ગઢવીનું નામ મોખરે મનાઈ રહ્યું છે. ભાજપ દ્વારા કચ્છની છ વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવાય તેવી ચર્ચાય છે. ત્યારે માંડવી-મુન્દ્રા બેઠક માટે ભાજપ તરફથી છાયાબેન ગઢવીનું નામ મોખરે મનાઈ રહ્યું છે. મુન્દ્રાના રહેવાસી અને ભાજપના કદાવર મહિલા નેતા છાયાબેન વિશ્રામભાઈ ગઢવીની રાજકિય કારકિર્દી પર નજર કરીએ તો મુન્દ્રા તાલુકા પંચાયતની ઝરપરા સીટ પરથી વર્ષ ર૦૦૦માં તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જે બાદથી ભાજપ પક્ષ તેઓ મજબુતાઈથી સંકળાયેલા છે. હોટેલ બિઝનેશ, કન્સ્ટ્રકશન, પેટ્રોલ પંપ, ખેતી જેવા વ્યવસાય સાથે જાડાયેલા છાયાબેન ગઢવી મુન્દ્રા તાલુકા મહિલા મોરચાના મહામંત્રી પદે ર૦૦૭થી ર૦૦૯ સુધી કાર્યરત હતા. તો ર૦૧૦માં જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ તરીકે રહ્યા બાદ તેજ વર્ષે જિલ્લા પંચાયતની મુન્દ્રા સીટ પરથી ભવ્ય વિજય મેળવ્યો હતો જેના શીરપાવ રૂપે તેમને કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આરૂઢ કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપરાંત કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી તરીકે પણ તેઓ નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકયા છે. વર્ષ ર૦૧૪-૧પમાં મુન્દ્રા રોટરી કલમના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહી ચૂકયા છે. તો વર્તમાને તેઓ મુન્દ્રા તાલુકાની ભદ્રેશ્વર સીટ કે જે પ્રથમથી જ કોંગ્રેસના કબજામાં હતી તેના પર ચૂંટાઈ આવી જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે. ફેમેલી બ્રેકગ્રાઉન્ડની વાત કરીએ તો છાયાબેન ગઢવીના પતિ વિશ્રામભાઈ ગઢવી – એડવોકેટ-નોટરી, મુન્દ્રા ભાજપના પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહી ચૂકયા છે તો રોટરી ઈન્ટરનેશનલ (૩૦પ૦)ના આસી. ગર્વનર તરીકે પણ બે વખત રહી
ચૂકયા છે.